ગુજરાત
News of Tuesday, 2nd March 2021

સાઇકલ ચાલકોમાં ૧૫ થી ૨૦ %નો વધારો

પેટ્રોલના ભાવે 'પોકેટ' પર પ્રહાર કરતા અનેક લોકો સાઇકલ તરફ વળ્યા

નજીકમાં સામાન્ય કામ માટે પણ ટુ વ્હિલરનો ઉપયોય કરતા યુવાનો હવે સાઇકલ લઇ જવામાં છોછ નથી અનુભવતા

અમદાવાદ,તા.૨: પેટ્રોલની કિંમતનો ગ્રાફ છેલ્લા કેટલાક સમયથી કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા પાંચ મહિનામાં પેટ્રોલની કિંમત અંદાજે રૂપિયા ૧૦ જેટલી વધી ગઇ છે. પેટ્રોલની કિંમતમાં થઇ રહેલા વધારાને પગલે હવે સાયકલચાલકોની સંખ્યામાં ૨૫% જેટલો વધારો નોંધાયો છે. અનેક લોકો હવે ઓફિસ કે કોઇ નજીકના સ્થળે જવાનું થાય તો કાર-સ્કૂટરને સ્થાને સાયકલ પર પસંદગી ઉતારી રહ્યા છે.

અમદાવાદમાં આજથી પાંચ મહિના અગાઉ ઓકટોબરમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત રૂપિયા ૭૮.૪૩ હતી અને તે હવે ૧ માર્ચના રૂપિયા ૮૮.૩૯ છે. પેટ્રોલની વધી રહેલી કિંમતે મધ્યમ વર્ગ માટે બજેટ ખોરવ્યું છે. પેટ્રોલની વધી રહેલી કિંમતથી હવે અનેક લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થાય તો પોતોના વાહનને સ્થાને  પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે એક ખાનગી કંપનીના કર્મચારીએ જણાવ્યું કે, 'મારૃં રહેઠાણ શિવરંજની અને ઓફિસ મણીનગરમાં છે. જેના કારણે હું મારી સાયકલ શિવરંજનીના બીઆરટીએસ સ્ટોપમાં પાર્ક કરી દઉં છું અને ત્યાંથી બીઆરટીએસ દ્વારા મણીનગર પહોંચું છું. હાલ સપ્તાહમાં એકાદ વાર પરિવાર સાથે બહાર જવાનું થાય ત્યારે જ પોતાના વાહનથી જવાનું થાય છે. પેટ્રોલના વધતા ભાવને લીધે ઘરનું બજેટ જાળવવા મારી પાસે સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના જ વિકલ્પ હતા. સાયકલ ચલાવવાથી હવે ફિટનેસ સુધારવા માટે જીમમાં જવાના ખર્ચમાં પણ બચત થઇ છે.

આ અંગે માયબાઇકના અર્જીત સોનીએ જણાવ્યું કે, 'અમારે ત્યાં જાન્યુઆરી સુધી પ્રતિ મહિને અંદાજે ૪૦ હજાર જેટલા સબસ્ક્રિપ્શન નોંધાતા હતા. પરંતુ ફેબુ્રઆરીમાં પ્રથમવાર સબસ્ક્રિપ્શનનો આંક વધીને ૫૦ હજારને પાર થયો છે. અનેક લોકો ઓફિસ કે નજીકના સ્થળે જવા માટે કોઇ છોછ વિના સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, સાયકલચાલકોમાં વધારો થવા માટે પેટ્રોલની કિંમત જ નહીં ફિટનેસ અંગેની જાગૃતિ પણ એક મહત્વનું પરિબળ છે. રિવરફ્રન્ટ તેમજ કાંકરિયામાં  થોડા સમયની રાઇડ માટે સાયકલ બૂક કરાવનારાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. લોકો સાયકલ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ જેમ વધુ વળશે તેમ ટ્રાફિક અને પ્રદૂષણ એમ બંનેમાં રાહત મળશે.

અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં પેટ્રોલની સૌથી ઊંચી કિંમત?

મહિનો

કિંમત

ઓકટોબર

રૂ. ૭૮.૪૩

નવેમ્બર

રૂ. ૭૯.૭૧

ડિસેમ્બર

રૂ. ૮૧.૧૭

જાન્યુઆરી

રૂ. ૮૩.૬૯

ફેબુ્રઆરી

રૂ. ૮૮.૩૯    

(10:42 am IST)