ગુજરાત
News of Thursday, 2nd February 2023

વડોદરાની સયાજી હોસ્પિટલના ઑર્થોપેડિક વિભાગની વધુ એક સિદ્ધિ:મયદાની નિષ્ણાત તબીબે એલોગ્રાફ્ટ દ્વારા ઘૂંટણના સ્નાયુની જવલ્લેજ થતી સર્જરીનો લાભ જરૂરિયાતમંદ દર્દીને આપ્યો

સેવા સંસ્થાઓ ના સહયોગ થી જરૂરિયાતમંદ દર્દી માટે બેંગલોર ની ટીસ્યુ લેબમાં થી જરૂરી સ્નાયુઓ મંગાવી સયાજી હોસ્પિટલમાં કરવામાં આવી સર્જરી

વડોદરા:ગુજરાતના સરકારી આરોગ્ય માળખા હેઠળની હોસ્પિટલોમાં એલોગ્રાફ્ટ ના નામે જાણીતી અને ઘૂંટણના સ્નાયુઓની નવા પ્રકારની અદ્યતન સર્જરીની વધુ એક પહેલ મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી સયાજી હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં કરવામાં આવી છે.

 ખાસ વાત એ છે કે સયાજીના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ને ઉત્તમ અને અદ્યતન તબીબી સેવાઓ સુલભ બનાવવા સમયદાન આપતાં,પોતાના મેડિકલ ફિલ્ડના એક નિષ્ણાત તબીબ ના સહયોગ થી અને ટીમ ઑર્થો સયાજીની જહેમતથી આ સર્જરી સફળતાપૂર્વક થઈ શકી છે.

  સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે સમયદાની તબીબ અને ઓર્થોસ્કોપીના નિષ્ણાત ડો.ધ્રુવ શાહને તેમના ઉમદા અને સેવાલક્ષી યોગદાન માટે અને ઓર્થો વિભાગના વડા ડો.હેમંત માથુર અને તેમની ટીમને સંનિષ્ઠ સેવાઓ માટે ધન્યવાદ આપ્યા છે.

 આ સર્જરી હેઠળ એલોગ્રાફ્ટ દ્વારા ઘૂંટણના ઇજાગ્રસ્ત લીગામેંટ ની સારવારનો લાભ કડાણાના બાબુભાઈ હરિજન નામક ૨૭ વર્ષના યુવા દર્દીને મળ્યો છે. બાબુભાઇને ગયા વર્ષના ડીસેમ્બર મહિનામાં ઘૂંટણમાં ઇજા થતાં કડાણા થી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

   ઓરથો વિભાગમાં તપાસ અને નિદાન દરમિયાન તેમના ઘૂંટણના acl/ pcl એ બંને લીગામેંટ ને ઇજા થયાનું નિદાન થયું હતું.

   પરંપરાગત રીતે દર્દીના શરીરમાં થી ટિસ્યુ - સ્નાયુ મેળવીને તેની સર્જરી કરવામાં આવે છે.જેથી દર્દીના સ્નાયુ વપરાય છે અને રૂઝ આવતાં વાર લાગે છે.

 ડો.ધ્રુવ શાહ જેઓ ઓર્થોસ્કોપી ના નિષ્ણાત છે અને  સમયદાનના સંકલ્પ હેઠળ સયાજીના જરૂરિયાતમંદ દર્દીઓને સુપર સ્પેશ્યાલિટી તબીબ સેવાઓનો લાભ આપે છે.

  તેમણે બાબુભાઈ ની ઇજાની સારવાર એલો ગ્રાફટથી થી કરવાની તત્પરતા સાથે,તેમને તેના લાભો સમજાવ્યા હતા.

  દર્દીની સંમતિ મળતાં તેમણે બેંગલુરુની રમાઈયાહ ટિસ્યુ લેબમાં થી એલોગ્રાફ઼  એટલે કે માનવ ટિસ્યુ હરિઓમ સેવા ટ્રસ્ટના માનવીય પીઠબળથી મંગાવીને દર્દીની સર્જરી કરી હતી. ડો.રંજન ઐયર અને ડો.હેમંત માથુર તેની વ્યવસ્થાના સંકલનમાં સહયોગી બન્યા હતા.

  આ અંગે ડો.ઐયરે જણાવ્યું કે કેડેવર  -  માનવ મૃતદેહના  સાજા અને સારા ટિસ્યુ યોગ્ય રીતે જાળવી રાખવામાં આવે છે.કેટલાક દાતાઓ પણ ટિસ્યુ દાન કરે છે.જેમ બ્લડ બેંકમાં માનવ લોહી અને તેના ઘટકો સાચવવામાં આવે છે એ રીતે ટિસ્યુ લેબમાં નિર્ધારિત પ્રક્રિયા કરીને માનવ ટિસ્યુ - એલોગ્રાફ઼ સાચવવામાં આવે છે અને જરૂર પડ્યે સર્જરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

  આ પદ્ધતિમાં ઘૂંટણના લીગામેન્ટ નવ સ્થાપિત કરવા માટે દર્દીના સ્નાયુઓ નો ઉપયોગ ટાળીને લેબમાં જાળવેલા ઍલોગ્રાફનો સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે દર્દીના શરીરના સ્નાયુઓ અકબંધ રહે છે.આ એલોગ્રાફ ચુસ્ત રીતે પ્રોસેસ કરેલા હોવાથી કોઈ આડઅસર થતી નથી.        તેના લીધે દર્દી ઝડપથી સાજો થાય છે અને નવેસરથી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરી શકે છે.ખેલાડીઓને વારંવાર ઇજા થતી હોય છે.તેમાં એલોગ્રાફ્ટ ની મદદ લેવાથી રિવીઝન સર્જરી માટે આ પદ્ધતિ હેઠળ બચેલા સ્નાયુઓ ઉપયોગમાં લઇ શકાય છે.

 ગુજરાતમાં જવલ્લેજ આ પ્રકારની સર્જરી થાય છે ત્યારે એક સરકારી હોસ્પિટલમાં એની આશાસ્પદ પહેલ વડોદરામાં,સયાજી હોસ્પિટલમાં અને તેના ઓર્થોપેડીક વિભાગમાં થઈ છે જેનું નિમિત્ત એક સમયદાની નિપુણ તબીબ બન્યા છે જેની નોંધ લેવી જરૂરી છે.

   યાદ રહે કે તબીબો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને સેવાની ભાવના સાથે તેમના જ્ઞાન અને કૌશલ્યોનો સમાજને અને જરૂરતમંદ લોકોને લાભ આપવાનો પ્રેરક અનુરોધ,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ,ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કર્યો હતો જેને વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ડો.ઐયરે જણાવ્યું કે હાલમાં ૩ થી ૪ જેટલા નિષ્ણાત તબીબો સયાજી હોસ્પિટલના જે તે વિભાગમાં અનુકૂળતા પ્રમાણે સમયદાન હેઠળ સુપર સ્પેસ્યાલીટી સેવાઓ નો ઉમદા લાભ આપે છે.

 આ ઉપરાંત સી.એમ.સેતુ યોજના હેઠળ હાલમાં વિવિધ સ્પેસ્યાલીટી ના ૧૨ નિષ્ણાત તબીબો,ટોકન માનદ ચુકવણી હેઠળ ઉત્તમ તબીબી સેવાઓનો દર્દીઓ ને લાભ આપી રહ્યાં છે.બહુધા આવી સેવાઓ ખાનગી તબીબી હોસ્પિટલોમાં ખૂબ ઊંચા ખર્ચે મળે છે.પરંતુ સી.એમ.સેતુની વ્યવસ્થા હેઠળ ગરીબ દર્દીઓ ને તે સુલભ થઈ છે.આ સેવાઓ વધુ તબીબી ક્ષેત્રોમાં મળે અને વ્યાપક બને એ માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

(11:53 pm IST)