ગુજરાત
News of Thursday, 2nd February 2023

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા કેન્સર નિદાન અને જાગૃતિ કેમ્પનો ૩૦૦થી વધુ મહિલાઓએ લાભ લીધો

રાજપીપલા જનરલ હોસ્પિટલ (જુની) ખાતે યોજાયો નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ: કેન્સરના ડિટેક્ટશન અને જાગૃતિના ભાગરૂપે ખુલ્લા મુકાયેલા કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા મહિલાઓને અનુરોધ કરતા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : વિશ્વભરમાં ૦૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ રાજપીપલા જનરલ હોસ્પિટલ (જુની) ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની પ્રેરક ઉપસ્થતિમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ-અમદાવાદ અને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે એન.પી.સી.ડી.સી.એસ (એન.સી.ડી) પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલા બે દિવસીય નિ:શુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ "કેન્સર સ્ક્રિનિંગ" નિદાન કેમ્પનો અંદાજીત ૩૦૦ કરતા વધુ બહેનોએ લ્હાવો લીધો હતો.

  આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, પારિવારિક જવાબદારીઓની પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત બની નાની-નાની સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા નજીકના આરોગ્ય કેન્દ્રનો લાભ લેવો જોઈએ.આજે વિજ્ઞાને પણ વિકાસની હરણફાળ ભરી છે, તેથી જ કેન્સર જેવી ગંભીર બિમારીઓની પણ સારવાર શક્ય બની છે. વધુમાં ધારાસભ્યએ કેન્સર નિદાન માટેના સંજીવની રથનું નિરિક્ષણ કરીને ઉપસ્થિત સૌ મહિલાઓને કેન્સર ડિટેક્શનનો લાભ લઈને અન્યને પણ બહોળા પ્રમાણમાં જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
 આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે પણ કેન્સરના જોખમો વિશે જાગૃત કરી તેના લક્ષણોના નિવારણ અને સારવાર વિશેની વિસ્તૃત માહિતી પુરી પાડીને આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
  આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલાંબરીબેન પરમાર, કેન્સરના નિષ્ણાંત તબીબ ડો. જીત મહેતા, સબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત ડોક્ટરો-નર્સિંગ સ્ટાફ અને સારવાર માટે આવેલી બહેનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટી.એચ.એસ. ગરૂડેશ્વરના મિતેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જરૂરિયાતવાળી બહેનોએ ગર્ભાશય, સ્તન કેન્સર સ્ક્રિનિંગ, નિદાન, માર્ગદર્શન સહિત મેમોગ્રાફી ટેસ્ટ અને HPA-DNA તપાસણીનો લાભ લઈને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
૧. શું છે ગર્ભાશય કેન્સરના લક્ષણો ?
- મહિલાઓને પીરીયડના સમયે અને પીરીયડ બંધ થવાના સમયે સામાન્ય કરતા વધુ રક્તસ્ત્રાવ થવો, જાતિય સમાગમ પછી યોનિમાર્ગ રક્તસ્ત્રાવ, દુર્ગંધયુક્ત યોનીમાર્ગ રક્તસ્ત્રાવ, પેશાબમાં વારંવાર ચેપ, પેટમાં નીચેના ભાગમાં અથવા પીઠમાં દુઃખાવો થવો એ સર્વાઈકલ એટલે કે ગર્ભાશય કેન્સરના મુખ્ય લક્ષણો છે.
૨. શું છે સ્તન કેન્સરના લક્ષણો ?
- સ્તનમાં દુખાવો, સ્તનના આકારમાં બદલાવ, સ્તનની આજુબાજુની ત્વચા લાલ થવી અને સોજો આવવો, નિપ્પલમાંથી લોહી અથવા અન્ય પદાર્થ ડિસ્ચાર્જ થવો અથવા ત્યાંની ત્વચા છોલાઈ જવી વગેરે બ્રેસ્ટ એટલે કે સ્તન કેન્સરના મુખ્ય લક્ષણો છે.

   

(10:33 pm IST)