ગુજરાત
News of Wednesday, 1st February 2023

મહેસાણાના લાંઘણજ-સાલડી ગામના સ્વયંભુ પ્રગટ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે અતિરૂદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ

પ્રથમ દિવસે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં હર હર મહાદેવના જયઘોષ સાથે મહાયજ્ઞનો શુભારંભ કરાયો : મંદિર ખાતે 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન

મહેસાણા જીલ્લાના લાંઘણજ-સાલડી ગામના પૌરાણિક અને ચમત્કારી સ્વયંભુ પ્રગટ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નો શુભારંભ થયો છે. મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં હર હર મહાદેવના જયઘોષ સાથે મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર તથા તિર્થ સ્થાન ગણાતા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે 1 ફેબ્રુઆરી 2023 થી 5 ફેબ્રુઆરી 2023 સુધી ભવ્યાતિભવ્ય મહોત્સવ નું આયોજન કરાયું છે.

ભવ્યાતિ ભવ્ય મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શત કુંડીય હોમાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞ નો શુભારંભ થયો છે પાંચ દિવસ સુધી ચાલનારા મહાયજ્ઞમા 24 લાખ 56 હજાર કરતા વધારે આહુતિ આપવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શિવાલયમાં રાજસ્થાન ના કુશળ કલાકારો દ્વારા વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર નયનરમ્ય અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે. અત્યંત દુર્લભ ગણાતા શત કુંડીય હોમાત્મક અતિરૂદ્ર હોમાત્મક મહાયજ્ઞમાં દાતાઓએ પરિવાર સાથે આહુતિ આપી હતી.

દિવ્ય અને ભવ્ય શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર અલૌકિક શક્તિ નો સ્તોત્ર છે જ્યાં પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેવાધીદેવ પ્રભુ શિવજીના ચરણોમાં શિશ જુકાવી ધન્યતા અનુભવે છે. લાંઘણજ અને સાલડી ની આજુબાજુ ના 42 ગામોના રહીશોમા આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે સાલડી ગામમાંથી સવારે જળયાત્રા અને દાદાની પાલખી યાત્રા નીકળી હતી. હર હર મહાદેવ ના જયઘોષ સાથે નીકળેલી યાત્રા માં હજારો શિવભક્તો જોડાયા હતા.

ડીજે ના તાલે ભક્તિ ગીતોના નાદ સાથે નાચતા કુદતા શિવભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.હજારો સ્વયંસેવકો દ્વારા વિવિધ સેવા આપવામાં આવી રહી છે.મોડી રાત્રે પ્રખ્યાત ગાયક કલાકાર સાગર પટેલ અને સાથી કલાકારો ના ગરબાનું આયોજન કરાયું હતું સાથે દાતાઓના સન્માન અને બાકીની ઉછમણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહત્વની વાત એ છે કે મહોત્સવમાં ભાગ લેવા માટે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 500 કરતા વધારે શ્રદ્ધાળુઓ પધાર્યા છે

(12:45 am IST)