ગુજરાત
News of Saturday, 2nd February 2019

પાટીદાર મહિલા સંમેલનમાં ૧૦ હજાર મહિલા પહોંચશે

સોમવારના દિવસે વિશેષ સંમેલન યોજાશેઃ દુષ્કમ, છેડતી અટકાવવા સહિતના સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવાશે : મહિલા સશક્તિકરણનો મુદ્દો પણ છવાઈ જશે

અમદાવાદ,તા.૨: એકબાજુ, પાટીદાર યુવાનો પાટીદાર અનામત આંદોલનની વાત ઉઠાવી રહ્યા છે ત્યારે આગામી તા.૪થી ફેબ્રુઆરીના રોજ પાટીદાર મહિલાઓનું રાજયવ્યાપી ભાવાત્મક સંમેલન યોજાવા જઇ રહ્યું છે. શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ દ્વારા એસજી હાઇવે પર ઉમિયા કેમ્પસ ખાતે આયોજિત આ પાટીદાર મહિલા ભાવાત્મક સંમેલનમાં રાજયભરમાંથી આશરે દસ હજારથી વધુ પાટીદાર મહિલાઓ ભાગ લે તેવી શકયતા છે. પાટીદાર મહિલાઓના આ વિશેષ સંમેલનમાં મધ્યપ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબહેન પટેલ અને મેયર શ્રીમતી બીજલબહેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને ગબ્બર(અંબાજી) ખાતે રહેતાં ચૂંદડીવાળા માતાજી ખાસ આશીર્વાદ આપવા પધારશે એમ અત્રે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસના પ્રમુખ કલાબહેન અમીન અને મંત્રી શોભાબહેન પટેલે જણાવ્યું હતું.

   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર મહિલાઓના આ ભાવાત્મક સંમેલનમાં મહિલા સશકિતકરણ, મહિલા ઉત્કર્ષ, દુષ્કર્મ અને મહિલા-યુવતીઓની છેડતી અટકાવવા સહિતના સંવેદનશીલ મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા હાથ ધરાશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલના હસ્તે સમાજના વિવિધ ક્ષેત્રમાં નોંધનીય અને બહુમૂલ્ય યોગદાન આપનાર પાટીદાર સમાજની આઠ મહિલાઓ અને ચાર યુવાનોનું વિશેષ સન્માન કરાશે. પાટીદાર મહિલા સાહસવીરોને પાટીદાર મહિલા રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે અને શાલ ઓઢાડી તેમનું વિશેષ જાહેર સન્માન થશે. જે પાટીદાર મહિલાઓનું સન્માન થવાનું છે, તેમાં ગ્રામશ્રીના મેનેજીંગ ટ્રસ્ટી અનાર પટેલ, કર્ણાવતી કલબના ડાયરેકટર સિલ્વા પટેલ, કર્મા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલ, જાણીતા ટીવી આર્ટીસ્ટ મોરલી પટેલ, હોમીયોપેથી કન્સલ્ટન્ટ ડો.આશાબહેન પટેલ, બાગાયત ક્ષેત્રના નિષ્ણાત અનિલા એન.પટેલ અને સંરક્ષણ ક્ષેત્રે ભાવના આર.પટેલનો સમાવેશ થાય છે. શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસના પ્રમુખ કલાબહેન અમીન અને મંત્રી શોભાબહેન પટેલે ઉમેર્યું કે, પાટીદાર મહિલાઓના આ ભાવાત્મક સંમેલનમાં પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને પાટીદાર સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનાર ભીખુભાઇ એલ.પટેલને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.

 આ પ્રસંગે ભારત સહિત વિશ્વભરમાં હાલની સૌથી સળગતી સમસ્યા એવી બાળકીઓ,મહિલા-યુવતીઓ સાથે દુષ્કર્મ અને જાતીય સતામણી અંગે સામાજિક જાગૃતિ ફેલાવવાના આશયથી જુલ્મ કે ખિલાફ આવાજ નાટિકા રજૂ કરાશે. ગુજરાત સહિત દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે રાજય સરકારે આ સમસ્યાના નિવારણ માટે આકરા પગલાં લેવા જોઇએ તેવી માંગણી પણ કલાબહેન અમીને કરી હતી.

 તા.૪થી ફેબ્રુઆરીએ એસજી હાઇવે સોલા ખાતે ઉમિયા કેમ્પસ ખાતે યોજાનારા પાટીદાર મહિલા ભાવાત્મક સંમેલનમાં રાજયભરમાંથી દસ હજારથી વધુ પાટીદાર મહિલાઓ ઉમટી પડે તેવો અંદાજ છે, જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

(9:35 pm IST)