ગુજરાત
News of Saturday, 2nd January 2021

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ વિવિધ પ્રકલ્પોની વિગતો

ટ્રોમા સેન્ટર એ કોઇ પણ હોસ્પિટલનો હાર્દ ગણાય છે. ઇમરજન્સી સેવાઓથી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર 24x7 કાર્યરત રહે છે. વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ત્યારથી લઇ અત્યાર સુધીના ગાળામાં ગુજરાતની સંવેદનશીલ સરકારે સતતપણે માનવસેવાની પરાકાષ્ઠા સર્જીને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઘણી ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે

ટ્રોમા સેન્ટરમાં નવા ઓપરેશન થીએટરની સ્થાપના માટે ગુજરાત સરકારે પોતાનું પ્રથમ કર્તવ્ય સમજીને વિના વિલંબે રૂ. 14.68 કરોડની માતબર રકમ ફાળવી આપી હતી, જેના પગલે ટ્રોમા સેન્ટરમાં આજે કુલ 21 ઓપરેશન થીએટર કાર્યરત કરાવવામાં આવ્યા છે. આ તમામ ઓપરેશન થીએટર સ્ટેટ-ઑફ-ધ-આર્ટ એવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોડ્યુલર ઓપરેશન થીએટર છે. આ 21 ઓપરેશન થીએટર પૈકી ઓર્થોપેડિક વિભાગના 8, સર્જરી વિભાગના 9, ઇ.એન.ટી. વિભાગના 2 અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના 2 ઓપરેશન થીએટરનો સમાવેશ થાય છે.
આધુનિક ટેકનોલોજી અને મશીનરી સાથે બનેલા આ ઓપરેશન થીએટરમાં સ્ટેનલેસ સ્ટીલની વર્નલ પેનલ અને ફોલ સિલીંગ, એન્ટી બેક્ટેરિયલ પેઇન્ટ, પેરિફેરલ લાઇટ, ઓટોમેટિક સિલીંગ સ્લાઇડિંગ ડોર્સ, લેમિનાર એર ફ્લો સિલીંગ સિસ્ટમ, સિંગલ એન્ડ ડબલ આર્મ એનેસ્થેસિયા 1 લાખ 40 હજાર લક્ષ(LUX) ક્ષમતા ધરાવતી O.T. લાઇટ વિથ મોનિટર, હાઇ ડેફિનેશન કેમેરા, સર્જન કંટ્રોલ પેનલ, એક્સ-રે વ્યુ સ્ક્રિન, પ્રેશર રિલીફ ડેમ્પર જેવી અતિ આધુનિક સગવડોનો સમાવેશ થાય છે.
▪CSSD (સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસિઝ ડિપાર્ટમેન્ટ)▪
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષમાં કાર્યરત તમામ ઓપરેશન થિયેટર અને સિવિલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણોને જંતુરહિત કરવાની કામગીરી કરતો સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસિઝ ડિપાર્ટમેન્ટ (CSSD) છે. આ વિભાગને રૂ. 5.6 કરોડના ખર્ચે નવી સુવિધાઓ તથા ઉપકરણો સાથે અતિ આધુનિકઢબે નવપલ્લવિત કરવામાં આવ્યો છે. 
નવા આધુનિક ઉપકરણોથી સજ્જ થયેલો CSSD વિભાગ કુલ 450 સ્કેવર ફીટ વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. નવા ઉપકરણોમાં 3 સ્ટરિલાઈઝેશન મશીન, 3 વોશર ડિસઇનફેક્ટર મશીન, 2 સ્ક્રબ સ્ટેશન, 2 અલ્ટ્રાસોનિક ક્લીનર, ઉપકરણોના સ્ટોરેજ માટે સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલથી બનેલી ટ્રાન્સપોર્ટ ટ્રોલી અને વર્કિંગ ટેબલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
અત્રે નોંધવું પડે કે ઓપરેશનમાં વપરાતા ઉપકરણોને સંક્રમણથી સુરક્ષિત રાખવામાં આ વિભાગની મહત્વની  ભૂમિકા રહેલી છે. હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો, ઉપકરણો CSSD વિભાગમાં રાખવામાં આવે છે. આ વિભાગમાં ઉપરોક્ત સાધનો અને ઉપકરણોને વિવિધ મશીનરી મારફતે વૈજ્ઞાનિક પ્રક્રિયા હાથ ધરીને જંતુરહિત, ચેપરહિત કરી, ફરી વખત ઉપયોગમાં લેવાને યોગ્ય બનાવવામાં આવે છે.
આ અગાઉ પણ CSSDમાં ઉપરોક્ત કામગીરી કરવામાં આવતી હતી. તેને વધુ સધન અને અત્યાધુનિક બનાવવા માટે નવા મશીનો લાવીને આ વિભાગને વધુ આધુનિક, તકનીક અને સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે.
CSSD વિભાગમાં નવા મૂકાયેલા મશીન સંપૂર્ણપણે ઓટોમેટિક પદ્ધતિથી મોટી સંખ્યામાં મેડિકલ ઉપકરણોને ખૂબ જ ઝડપથી સ્ટરિલાઇઝ (જંતુરહિત) કરી આપશે. એટલું જ નહીં, ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણો જંતુરહિત થવા માટે આ વિભાગમાં પહોંચે ત્યાંથી લઇ ફરી વખત ઉપયોગમાં લઇ શકાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા આ નવા ઉપકરણોના કારણે વધુ સુરક્ષિત બની છે.
▪સૂચિત સ્કીન બેંક▪
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંક કાર્યરત થવા જઇ રહી છે. રોટરી ક્લબ કાંકરીયા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંદાજીત 2 કરોડ રૂપિયાના ખર્ચે આ બેંક નિર્માણ પામશે. ટ્રોમા સેન્ટરના ચોથા માળે 3,600 ચોરસફીટ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી આ સ્કીન બેંક ગુજરાતમાં ચામડીના રોગના નિદાન અને ઉપચાર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.
દાઝેલા, કપાઇ ગયેલી ચામડી ધરાવતા દર્દીઓના ઓપરેશન વખતે ચામડીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઘોરણે ચામડી ઉપલબ્ધ કરાવવામાં આ બેંકની ભૂમિકા મહત્વની બની રહેશે. ગુજરાત જ નહીં ભારતભરના કોઇપણ દર્દી અથવા હોસ્પિટલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચામડીની જરૂરિયાત પુરી પાડવાનું આયોજન છે

(6:12 pm IST)