ગુજરાત
News of Tuesday, 1st December 2020

અમદાવાદ સિવિલ ફરી વિવાદમાં : નેગેટિવ રિપોર્ટ હોવા છતાં નવ દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં કેમ રાખ્યા ??

80 ટકા ફેફસાં કામ કરતા ન હતા તો અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કેમ ના કર્યા? ચાર કોટવાલને દંડે તેવી નીતિ સામે દર્દીના સગાએ લખ્યો પત્ર

અમદાવાદ : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં નેગેટિવ રિપોર્ટ ધરાવતા મહિલા દર્દીને નવ દિવસ સુધી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડન્ટ જે.વી. મોદીએ સ્પષ્ટતા કરતાંની સાથે જ વિવાદ વકર્યો છે. આ અંગે દર્દીના સગા તથા અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડન્ટ જે.વી. મોદીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, જો મૃતકના 80 ટકા ફેફસાં કામ કરતાં ન હતા. તો તેમને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કેમ ના કર્યા તેવો પ્રશ્ન કર્યો છે. તેની સાથે એવી પણ રજૂઆત કરી હતી કે, આ અંગેની વિગત તમે તેમના સગાને કેમ ના જણાવી

વધુમાં પત્રમાં જણાવ્યું છે કે, નેગેટીવ મહિલાને નવ દિવસ પોઝિટિવ વોર્ડમાં રખાતાં વ્યક્તિના થયેલા મુત્યુ અંગે તમે મીડીયાને ખુલાસો કર્યો છે. તે વાહિયાત અને પાંગળો છે. તમે મૃતક વ્યક્તિના 80 ટકા ફેફસાં કામ ન હોતા કરતા તેવી જાતનો બચાવ કર્યો છે. જો મૃતકના 80 ટકા ફેફસાં કામ ના કરતાં હોય તો તેમને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કેમ ના કર્યા અને આ અંગેની વિગત તેમના સગાંને કેમ ના જણાવી. આવો લુલો બચાવ કરી ચોર કોટવાલને દંડે તેવી નીતિ અખત્યાર કરી છે

વધુમાં એમ પણ જણાવ્યું છે કે સામાન્ય રીતે વેન્ટીલેટર ઉપર હોય તેવા દર્દીને જરૂર પડે તો બીજા વોર્ડમાં ખસેડવામાં આવે છે. તો મુતક વ્યક્તિ તો માત્ર સાદા ઓક્સીજન પર હતી તો તેમને કેમ બીજા વોર્ડમાં ન ખસેડયા. સિવિલ હોસ્પિટલની જે નીતિ છે કે હોસ્પિટલ વિરુધ્ધ અખબારોમાં સમાચાર પ્રસિધ્ધ થાય તેનો વાહીયાત રીતે રદિયો આપવાની પ્રથા છે તે બંધ કરવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસારવા પાંચીદાસ મહોલ્લામાં રહેતા ઈન્દિરાબેન જયંતિભાઈ પટેલ ( ઉ.વ. 75 ) 19-11-20ના રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તે દિવસે રાત્રે ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઓછું જણાતાં ફેમિલી ડોક્ટરની સલાહથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે હાર્ટનો ECO ઇકો ટેસ્ટ કરીને સારવાર માટે 1200 બેડની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં 20/11/20ના રોજ ધખલ કરવામાં આવ્યા હતા. જ્યાં RTPCR રિપોર્ટ કઢાવ્યો હતો. તે પણ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમને કોરોના પોઝિટિવ ICU વોર્ડમાં જ રાખ્યા હતા.

દર્દીના સગાઓએ અન્ય વોર્ડમાં ખસેડવા રજુઆત કરી હતી પણ ડોક્ટરોના પેટનું પાણી હલ્યું ના હતું. ICU વોર્ડ હોવાથી સ્વાભાવિકપણે રોજ કોઈને કોઈ દર્દીનું મૃત્યુ થતું હતું. તેની વચ્ચે રહેલા ઈન્દિરાબેને પણ 29/11/20ના રોજ કાયમ માટે આખો મીંચી દઈને દેહ છોડી દીધો હતો

(11:11 pm IST)