ગુજરાત
News of Tuesday, 1st December 2020

અમદાવાદના સોલા સાયન્સ સીટીના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે “દિપડો” દેખાયો : ફોન આવતા પોલીસને દોડધામ

પોલીસને કલાકોની મહેનત બાદ પણ દિપડો કે દિપડાના પગલાં મળ્યા નહીં

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે દિપડો આવ્યાનો ફોન આવતા સોલા પોલીસ દોડી હતી ફોન કરનારે સોલા પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગ્યે ફોન કરી રાત્રે દિપડો આવ્યાની વાત કરી હતી. પોલીસ બનાવને ગંભીરતાથી લઈ સ્થળ પર પહોંચી હતી.

મેસેજ કરનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, જમીન પર પડેલા પગલાં પરથી મને લાગે છે. તે જંગલી જાનવર દિપડાના છે. પોલીસે હેતાર્થ પાર્ટી પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ચારે તરફ તપાસ કરી હતી .

 જોકે પોલીસને કલાકોની મહેનત બાદ પણ દિપડો કે દિપડાના પગલાં મળ્યા ન હતા. આખરે પોલીસે અનુમાન કર્યું કે, ફોન ખોટી રીતે થયો હશે, ફોન કરનાર પર પોલીસને શરૂઆતમાં ગુસ્સો આવ્યો હતો. જોકે તપાસ બાદ દિપડો ના આવ્યાની બાબતથી પોલીસે રાહત અનુભવી હતી.

સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ ટેબલ પર એક વ્યક્તિએ ફોન કરી હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે દિપડો આવ્યાનો મેસેજ કર્યો હતો. એ વ્યક્તિના કહેવા મુજબ જમીન પર પડેલા પગલાંની છાપ જોતા તે દિપડાની હોવાનું લાગે છે. જોકે અમારા સ્ટાફએ સ્થળ પર તપાસ કરતા આવું કઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.

(11:01 pm IST)