ગુજરાત
News of Tuesday, 1st December 2020

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાપોલીસ કર્મચારીઓ સીક લીવ પર જાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા ફરમાન

પ્રાઈવેટ હોસ્પિટલનું સર્ટિ રજૂ કરશે તો વગર પગારે રજા ગણવા રિપોર્ટ કરવાના પીઆઈના હુકમથી પોલીસ કર્મચારીઓ નારાજ

અમદાવાદ : કૃષ્ણનગર  પોલીસ સ્ટેશનના પીઆઈએ પોલીસ કર્મચારીઓ સીક લીવ પર જાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવાનું ફરમાન કર્યું છે. ખાનગી હોસ્પિટલનું સર્ટી રજા લેનાર કર્મચારી રજૂ કરશે તો વગર પગારે રજા ગણવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓમાં આ હુકમને પગલે નારાજગી દેખાઈ રહી છે.

પોલીસ કર્મચારીઓ આવો કોઈ કાયદો જ નહીં હોવાનું જણાવી રહ્યા છે. કોરોના મહામારીમાં કોઈ વ્યક્તિ અન્ય બીમારીની સારવાર લેવા સરકારી હોસ્પિટલમાં જવા તૈયાર ન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

 પોલીસ કર્મચારીઓના જણાવ્યા મુજબ કોઈ પણ કર્મચારી કે વ્યક્તિ ઘર નજીકની હોસ્પિટલમાં સારવાર લેતો હોય છે. પોલીસ કર્મચારીઓ મેડિકલેમ ના પૈસા સારી હોસ્પિટલમાં સારી સારવાર મળે તે માટે ભરતા હોય છે. પીઆઈ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દબાણ કઈ રીતે કરી શકે તેની ચર્ચા પીઆઈએસ બેડામાં છે.

પોલીસ કર્મચારી ખોટી રીતે સીક લીવ પર ગયાનું અધિકારીઓને લાગે તો તે ઇન્કવાયરી સોંપી તપાસ કરાવી શકે છે. તેમાં કર્મચારી બિમાર ન હોવા છતાં ખોટી રીતે સીક રજા પર ગયાનું સાબિત થાય તો જે તે પોલીસ કર્મચારી સામે એક્શન લઈ શકે પણ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવી તેવી ફરજ ના પાડી શકે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં 50 થી વધુ પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓ ઓફિસ આવેલી છે, જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સીક રજા માટે સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવી તેવું ફરમાન બહાર પડ્યું છે

(8:14 pm IST)