ગુજરાત
News of Tuesday, 1st December 2020

વડોદરામાં ર૮૪ વર્ષથી પરંપરાગત રીતે આન, બાન અને શાનથી નીકળતો નરસિંહજીનો વરઘોડો કોરોના મહામારીના કારણે સાદાઇથી નીકળ્યો

વડોદરા : કોરોના કાળના કારણે સામાન્ય નાગરિકોની સાથે સાથે ભગવાન પણ પ્રભાવિત  થયા હોય તેમ લાગી રહ્યું છે. જેનો જીવંત પુરાવો છે વડોદરાનો સુપ્રસિદ્ધ નરસિંહજીનો વરઘોડો. 284 વર્ષથી પરંપરાગત રીતે આન બાન અને શાનથી નીકળતો નરસિંહજીનો વરઘોડો આ વર્ષે સાદાઈથી યોજાયો હતો. 

જેનું મુખ્ય કારણ છે કોરોના વાઇરસનું સતત વધતું સંક્રમણ. કોરોના વાઇરસના વધતા સંક્રમણના કારણે ઐતિહાસિક નરસિંહજીના વરઘોડાની 284 વર્ષથી ચાલતી આવતી પરંપરા તૂટી છે. આ પરંપરા તૂટવીએ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આજે નરસિંહજીની પોળથી ભગવાનનો વરઘોડો ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીના બદલે મીની બસમાં નીકળી તુલસી વાડી સ્થિત તુલસી મંદિર ખાતે પોહોચ્યો હતો.

અહીં સરકારની ગાઈડલાઈન મુજબ તુલસી વિવાહની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહત્વનું છે કે વધુ ભીડ એકઠી ન થાય તેના કારણે ભક્તો માટે દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ફક્ત મંદિર પરિવારના સભ્યોની હાજરીમાં સમગ્ર લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

(5:34 pm IST)