ગુજરાત
News of Tuesday, 1st December 2020

મંજુશ્રી સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ માટે કાર્યરત : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા શુભારંભ

મંજુશ્રી મીલ કેમ્પસ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં અનેકવિધ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ

 ગાંધીનગર::::રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતને ધ્યાને લઇને ખૂબ જ ટૂંકા ગાળામાં મંજુશ્રી સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ માટે કાર્યરત કરાવવામાં આવી છે. જેનો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે. 

મંજુશ્રી સ્થિત કિડની હોસ્પિટલ ૩૫૦ કરોડના ખર્ચે ૧૦ લાખ ચોરીસ ફીટની જગ્યામાં નિર્માણાધીન છે. 

આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કૂલ ૪૧૮ પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાંથી ૩ જા અને ૪ થા માડે કૂલ ૩૩૬ પથારીઓ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે ૭ માળે વેન્ટીલેટર સહિતના આઇ.સી.યુ. વોર્ડમાં ૮૨  પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ  દ્વારા ૧૫૦ જેટલા મલ્ટી પર્પસ મોનીટર કાર્યરત કરાવવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની પ્રવાહી ઓક્સિજનની ટેંક કાર્યરત કરવામાં આવી છે. તેમજ વધુ જથ્થાની જરૂરિયાત જણાઇ આવે તે માટે અન્ય એક ૨૦ હજાર લીટરની પ્રવાહી ઓક્સિજન ટેંકને વિકલ્પ રૂપે રાખવામાં આવી છે. 

હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ૨૮ પી.જી. તબીબો, ૬૦ જેટલા એમ.બી.બી.એસ. તબીબો, ૧૭૫ નર્સિંગ સ્ટાફ અને ૩૫૦ થી વધુ સફાઇ કામદારની નિમણૂક કરવામાં આવી છે.જેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષામાં દિવસ રાત કાર્યરત રહેશે. 

મંજુશ્રી સ્થિત કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઇન હાઉસ સી-ટી સ્કેન , ડાયાલિસિસ  જેવી સુવિધાઓ દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે. 

(3:31 pm IST)