ગુજરાત
News of Tuesday, 1st December 2020

તા.૧૫ થી ૧૭ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની સંભાવના

દક્ષિણ ભારતના રાજયોમાં આજે વરસાદ પડશેઃ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનો વર્તારો : પહાડી પ્રદેશોમાં હીમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ઠંડીનો પારો ૧૨ ડીગ્રી આસપાસ જોવા મળશે

રાજકોટ,તા.૧: દેશમાં ઠંડીને લઇને હવામાન વિભાગ દ્વારા એક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડશે. દેશમાં સૌથી વધારે ઠંડી દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજયોમાં પડવાનું હવામાન વિભાગ શકયતા દર્શાવી રહ્યુ છે. હવામાન વિભાગની સાથે રાજયના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અને માવઠાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્ત્।ર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડીનું પણ પ્રમાણ વધશે. તાપમાનનો પારો ગગડતાં ન્યુનતમ તાપમાં ૧૨ ડિગ્રી રહેવાની શકયતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. તેઓએ દક્ષિણ ભારતમાં આજે વરસાદ થવાની પણ શકયતા પણ વ્યકત કરી છે અને ઉત્તર ભારતના ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા વ્યકત કરી છે. ૧૫,૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ માવઠા બાદ ૨૨ ડિસેમ્બરના રોજ ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવ કહેવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી બરફ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ગુજરાતનું તાપમાન નીચું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતનું તાપમાન હજી વધારે નીચે જાય તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે. હિમવર્ષાની સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજયોમાં જોવા મળશે અને આગામી બે દિવસ આ રાજયોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધશે. આ ઉપરાંત નિવાર વાવાઝોડાના કારણે આંધપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરી જેવા રાજયોની સ્થિતિ કફોળી બની છે. હાલ આ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે દ્યણા રાજયોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે.

 હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેરલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ અંદમાનમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

(11:49 am IST)