ગુજરાત
News of Tuesday, 1st December 2020

અમદાવાદના સેટેલાઈટમાં રાજકોટના સોનીના રૂ.35 લાખના દાગીનાની ચોરી શટલ રિક્ષાનો ચાલક અને તેના સાગરીતો ફરાર

રાજકોટના શિવમ ચેઇનવાળનો માણસ નેહરૂનગરથી દાગીના લઈ ઈસ્કોન બ્રિજ જવા માટે શટલ રિક્ષામાં બેઠો હતો

અમદાવાદ: શહેરના નેહરૂનગર સર્કલથી જોધપુર ચાર રસ્તા વચ્ચે રાજકોટના સોનીના રૂ.35 લાખના દાગીનાની ચોરી કરી શટલ રિક્ષાનો ચાલક અને તેના સાગરીતો ફરાર થઈ ગયા છે. રાજકોટના સોનીનો માણસ નેહરૂનગરથી દાગીના લઈ ઈસ્કોન બ્રિજ જવા માટે શનિવારે સવારે શટલ રિક્ષામાં બેઠો હતો. તે સમયે આરોપીઓએ બેગમાંથી દાગીનાના પડીકા કાઢી લીધા હતા. રિક્ષા ચાલક અને તેના સાગરીતો બાદમાં સોનીના માણસને રસ્તામાં જોધપુર ચાર રસ્તા ઉતારી ફરાર થઈ ગયા હતા.

 રાજકોટમાં બીડી નાકા શેરી પાસે શ્રીજી એપાર્ટમેન્ટ માં રહેતાં હિતેષ પરમાનંદભાઈ કંસારા (ઉં,47) રાજકોટના સોનીઓના દાગીના બહારગામથી લાવવા અને લઈ જવાનું કામ કમિશન ઉપર કરે છે. ગત તા.27-11-2020ના રોજના રાજકોટમાં શિવમ ચેઈન નામે સોના ચાંદીનો વેપાર કરતા મીલન તરલેશ માંડલીયાએ અમદાવાદથી સોનાના દાગીના લાવવા હિતેષભાઈને કહ્યું હતું. મીલનભાઈએ અમદાવાદ ખાતે રહેતાં તેમના ફોઈના દિકરા અલ્પેશભાઈ અશ્વિનભાઈ સ્વદાસનું સેટેલાઇટ નેહરૂનગર હનુમાન મંદીર પાસે અપૂર્વ ફ્લેટનું સરનામું આપ્યું હતું. 

હિતેષભાઈ ગત શનિવારે વહેલી સવારે 5 વાગ્યે રાજકોટથી અમદાવાદ આવવા બસમાં નીકળ્યા હતા. તેઓ સવારે 8.30 વાગ્યે પાલડીથી રિક્ષા કરી અલ્પેશભાઈને નહેરૂનગર સ્થિત ઘરે પહોંચ્યા હતા. જ્યાં અલ્પેશભાઈને પોતાની ઓળખ આપી હિતેષભાઈએ મિલનભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. બાદમાં અલ્પેશભાઈએ સોનાના દાગીનાના ત્રણ પડીકા આપ્યા હતા. જેમાં એક પડીકામાં સોનાના 100 ગ્રામનું એક એવા પાંચ બિસ્કીટ રૂ.20 લાખના તેમજ બીજા બે પડીકામાં સોનાની મશીનમાં બનાવેલી ચેઇનો જે રૂ.15,09,960ની મતાની 377.490 ગ્રામ વજનની હતી.

આ પડીકા પોતાની બેગમાં મૂકી રાજકોટ જવા સવારે 9.15 વાગ્યે અલ્પેશભાઈને ઘરેથી નીકળી હિતેષભાઈ નહેરૂનગર હનુમાનજી મંદીર સામે ઉભા હતા. તે સમયે આંબાવાડી તરફથી ત્રણ પેસેન્જર બેસાડી આવેલા રિક્ષા ચાલકને હિતેષભાઈ ઈસ્કોન જવાનું કહેતા તેણે રૂ.20 ભાડું કહ્યું હતું. પાછળની સિટ પર બે પગ વચ્ચે બેગ રાખી હિતેષભાઈ બેસી ગયા હતા. તે સમયે એક પેસેન્જર બીજા પેસેન્જરના પગ પર બેઠો અને હિતેષભાઈની બેગ બીજા પેસેન્જરના પગ પાસે મૂકી દીધો હતો.

જોધપુર ચાર રસ્તા આવતા બંધ ટ્રાફિક સિગ્નલ પાસે રિક્ષા ઉભી રાખી ચાલકે હિતેષભાઈને તમે અહીંયા ઉતરી જાવ, હું આ પેસેન્જરને હોસ્પિટલ ઉતારીને આવુ છું. હિતેષભાઈ રિક્ષામાંથી ઉતર્યા બાદમાં તેઓને શંકા જતા બેગ ચેક કરી હતી. બેગમાંથી દાગીનાના ત્રણ પડીકા ગાયબ થઈ ગયા હતા. આથી બનાવ અંગે મીલનભાઈને રાજકોટ ફોન કરી હિતેષભાઈએ જાણ કરી હતી. અલ્પેશભાઈ પણ સ્થળ પર પહોંચ્યા અને તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી. બાદમાં મીલનભાઈ રાજકોટથી અમદાવાદ આવતા સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રૂ.35 લાખના સોનાના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી

(8:23 am IST)