ગુજરાત
News of Sunday, 1st December 2019

સુરતના ઉધનામાં ટેમ્પોએ અડફેટે લેતા યુવકનું મોત

એકઠા થયેલા લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો : અકસ્માત સર્જયા બાદ આરોપી ટેમ્પો ચાલક ફરાર થયો

અમદાવાદ, તા.૧ :સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર પાસે હીટ એન્ડ રન અકસ્માતમાં એક નિર્દોષ યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવક બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે જ એક બોલેરો માલવાહક ટેમ્પોએ અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદમાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં હરિનગર પાસે સર્જાયેલા અકસ્માતમાં અશોક જાદવ નામના યુવકનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેના પગલે સ્થાનિકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો. શહેરમાં વધી રહેલા અકસ્માતના બનાવોને પગલે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આ જગ્યાએ અવારનવાર કહેવા છતાં સ્પીડબ્રેકર કે ડિવાઈડર બનાવવામાં આવ્યાં નથી તેમજ આ રસ્તા પર કોઈ જ પ્રકારના સાંકેતિક બોર્ડ ન હોવાના કારણે એક્સિડન્ટનું પ્રમાણ વધુ રહ્યું છે.

       એક્સિડન્ટ બાદ ફરાર થઈ ગયેલા ટેમ્પોના ચાલકને ઝડપી લેવા માટે પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ હાથ ધરી નંબર મેળવવાની કોશિષ આદરી છે. બીજી તરફ યુવકના મૃતદેહને પીએમ માટે શબવાહિનીમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવતાં ટેમ્પોચાલકની સ્પષ્ટ બેદરકારી સામે આવી હતી અને અકસ્માત બાદ યુવક રોડ પર લોહીલુહાણ હાલતમાં પડયો હોવાછતાં આરોપી ટેમ્પોચાલક રવાના થઇ ગયો હતો.

(7:45 pm IST)