ગુજરાત
News of Saturday, 31st October 2020

દિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચનાર 12 લોકોની ધરપકડ : 1,22 કરોડથી વધુનો મુદામાલ જપ્ત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા: કુલ 12 જેટલા વેપારીઓએ ભાગીદારીમાં માલ મંગાવ્યો હતો

 સુરત : શહેરના મોટા વરાછા વિસ્તારમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચનારા વેપારીઓની ધરપકડ કરાઈ છે  બ્રાન્ડેડ કંપનીનાં ટી શર્ટ, ટ્રેક તથા શોર્ટ સુરતમાં વેપારીઓને લાવીને લોકોને વેચી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડા પાડીને 1.22 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે સ્થળેથી માલ પકડાયો છે તેમાં કુલ 12 જેટલા વેપારીઓએ ભાગીદારીમાં માલ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.

સુરતમાં દિવાળી આવતાની સાથે જ બ્રાન્ડેડ સામાનની માંગ વધતા વેપારીઓ રોકડી કરવા માટે નકલી સામાન વેચીને મોટો નફો રળવાના ચસ્કે ચડ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા તથા મોટા વરાછા તાપી આર્કેડમાં ત્રીજા માળે એક દુકાન ધરાવે છે. અહીં મોટા પ્રમાણમાં આ પ્રોડક્ટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા રાજ્યનાં તીરપુર ખાતે એડીડાસ, રીબોક, લિવાઇઝ, સી.કે જેવી મોંઘી બ્રાન્ડના લોગો તથા ડિઝાઇન તથા પેકિંગ ધરાવતા કપડાઓ મળી આવ્યા છે.

આ અંગે માહિતી મળતાની સાથે જ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની એક ટીમ સાથે દરોડો પાડ્યો હતો. આ ગોડાઉન એક બે નહી 11 ભાગીદારો મળી કુલ 12 જણાએ માલ મંગાવ્યો હતો. તમામ માલ જપ્ત કરીને જ્યારે તેની કિંમત આંકવામાં આવી તો તેની કિંમત 1 કરોડ કરતા પણ વધારે હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંક રોકડ રકમ 11 લાખથી વધારે મળી આવી હતી. આ ઉપરાંત પેકિંગના અલગ અલગ સાધનો, લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલ સહિત કુલ 1,22,15,268 (એક કરોડ બાવીસ લાખ પંદર હજાર બસ્સોને અડસઠ) રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્થળ પરથી 12 લોકોને ઝડપી લેવાયા હતા.

(12:29 am IST)