ગુજરાત
News of Friday, 1st November 2019

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં દિયરનો લેવાઈ ગયેલો ભોગ

મોડી રાતે હત્યાના બે બનાવથી ચકચાર : તહેવારમાં હત્યાના બનાવો બન્યા : વટવામાં એક દુકાનમાં ઘૂસી વેપારીની હત્યા કરી શખ્સો ફરાર : પોલીસની તપાસ

અમદાવાદ, તા.૧ : શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાતે બે હત્યાના બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દિવાળીના તહેવારો દરમ્યાન બનેલા આ બનાવોને લઇ સ્થાનિક રહીશોમાં પણ અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. પહેલા બનાવમાં, વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે વેપારીની અજાણ્યાં શખસોએ દુકાનમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જ્યારે બીજા બનાવમાં, હાટકેશ્વર-સીટીએમ રોડ પર પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા દિયર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. અન્ય યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બંને બનાવો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી આશાપુરા રેસીડેન્સી પાસે મહાલક્ષ્મી દૂધ નામની ડેરી ધરાવતા બુદ્ધારામ ચૌધરીના ફોઈના દીકરા દિનેશ ચૌધરી નજીકમાં જ મહાલક્ષ્મી કરિયાણાની દુકાન ધરાવે છે. રાતે ૧૧ વાગ્યે દિનેશની પત્ની બૂમાબૂમ કરતી હોવાથી બુદ્ધારામ ત્યાં પહોંચી ગયા હતા.

                    દુકાનમાં જઈને જોયું તો દિનેશ અંદર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. અજાણ્યો શખ્સ માથામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. વટવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે. વળી, કયા કારણસર વેપારીની હત્યા કરાઇ તેની પણ પોલીસે તપાસ આરંભી છે. અન્ય બનાવમાં, શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વરથી સીટીએમ રોડ પર નહેરુનગર વર્માની ચાલી પાસે નજીવી બાબતે પતિ-પત્નીના ઝઘડા વચ્ચે દિયરનો ભોગ લેવાયો હતો. ઘરના ઝઘડામાં દિયર વચ્ચે છોડાવવા માટે પડતાં આદેશ પ્રજાપતિ અને નિર્માણ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(8:55 pm IST)