ગુજરાત
News of Saturday, 1st October 2022

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પહેલા ભ્રષ્ટાચારને ખત્મ કરીશું : ગુજરાત સરકારનો એક-એક પૈસો જનતા પર ખર્ચ કરવામાં આવશે :ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 6 મહિનામાં તમામ રસ્તાઓ ઠીક કરી દઈશુંઃ એક એવી વ્યવસ્થા કરીશું જેમાં તમારે તમારા કોઈપણ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડેઃ 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો લીક થયા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે : અરવિંદ કેજરીવાલ : અચ્છે દિન વિશે ખબર નથી પણ ડિસેમ્બર પછી અરવિંદ કેજરીવાલના સચ્ચે દિન ચોક્કસ આવશેઃલોકો દરેક વસ્તુ પર ટેક્સ ભરે છે, તો પછી સરકારની તિજોરી કેવી રીતે ખાલી થાય છે?: જો તમે ઝાડુનું બટન દબાવો તો સમજો કે તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે : ભગવંત માન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જુનાગઢ અને કચ્છમા જાહેરસભા : ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ, કિસાન વિંગના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા ઉપસ્થિત

રાજકોટ તા.૧ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે બપોરે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના  નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એરપોર્ટથી નીકળીને ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગાંધીધામમાં વિશાળ જાહેર સભાને સંબોધી અને ત્યાર બાદ જૂનાગઢ જવા રવાના થયા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાંજે બીજી જાહેર સભાને સંબોધવા જૂનાગઢ પહોંચ્યા.

       આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢની જાહેર સભામાં આવેલા હજારો લોકોને સંબોધતા કહ્યું કે, સાધુ, સંતો અને નરસિંહ મહેતાની આ પવિત્ર ભૂમિને મારા વંદન. સૌથી પહેલા હું મારી આશા વર્કરની બહેનોને કહેવા માંગુ છું કે તમારા કેટલાક લોકો મારી પાસે આવ્યા હતા, હું તમારી તમામ માંગણીઓ સમજી ગયો છું, અમારી સરકાર બનાવી દો, હું 3 મહિનામાં તમારી તમામ માંગણીઓ પૂરી કરીશ. હું અહીં કોઈને હરાવવા નથી આવ્યો, દરેક ગુજરાતીને જીતાડવા આવ્યો છું. મને રાજનીતિ નથી આવડતી, હું એક શિક્ષિત, ઈમાનદાર, દેશભક્ત માણસ છું, મને કામ કરતા આવડે છે. જો તમારે ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને રાજનીતિ જોઈતી હોય તો તેમની પાસે જતા રહેજો પરંતું જો તમારે સારી શાળા, હોસ્પિટલ, આશા વર્કરની માંગણીઓ એ જ રીતે અન્ય કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવી હોય તો મારી પાસે આવી જજો, મને કામ કરતા આવડે છે. એવું લાગે છે કે ગુજરાતમાં કંઈક અદ્ભુત થઈ રહ્યું છે, જાણે ભગવાન પોતે જ ઝાડુ ચલાવી રહ્યા છે. તમે એ લોકોને 27 વર્ષ નો મોકો આપ્યો છે, તમે મને એક વાર 5 વર્ષનો મોકો આપી દો, તમે જે પ્રેમ આપ્યો છે એનું ઋણ હું ચૂકવી દઇશ, તમારું બધું કામ કરીશ.

             ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરીશું. તમે તમારા ધારાસભ્ય પાસે કોઈ કામ કરાવવા જાઓ તો તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે, સરકાર પાસે પૈસા નથી. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે અને આ લોકોએ તમારા પર 3.5 લાખ કરોડનું દેવું ચઢાવી દીધું છે. સવારથી લઇને સાંજ સુધી દરેક વસ્તુ પર ટેક્સ લાગે છે, આ લોકો અબજો રૂપિયા ભેગા કરે છે. આટલા બધા પૈસા ક્યાં જાય છે? આ બધા પૈસા તેમની સ્વિસ બેંકોમાં જાય છે. એક-એક નેતાએ એટલા બધા પૈસા ભેગા કર્યા છે કે તેમની સાત પેઢી ઘરે બેસીને ખાશે અને પછી કહેશે કે સરકાર ખોટમાં ચાલી રહી છે, તે બંધ થવું જોઇએ. ડિસેમ્બર પછી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે અધિકારી પૈસા નહીં ખાય. ગુજરાત સરકારનો એક-એક પૈસો લોકો પર ખર્ચવામાં આવશે. પંજાબમાં એક મંત્રી થોડી ગડબડ કરી રહ્યા હતા, ભગવંત માનજીએ પોતે જ તેમના મંત્રીને જેલમાં મોકલી દીધા, આમ આદમી પાર્ટી એટલી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. ડિસેમ્બરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તમે કોઈપણ કામ કરાવવા જશો, ત્યારે કોઈ નેતા તમારી પાસેથી પૈસા નહીં લે. કોઈ પણ નેતા ચોરી નહીં કરે અને ચોરી કરનાર તમામ નેતાઓનો હિસાબ લેવાશે. એક એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેમાં તમારે તમારા કોઈપણ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે. અમે દિલ્હીમાં આને લાગું કરી દીધું છે. ગુજરાતમાં સરકાર બન્યા બાદ અહીં પણ લાગું કરવામાં આવશે. જે પેપર ફૂટે છે તે થોડી એમજ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

           હું ગઇ વખત ગુજરાત આવ્યો ત્યારે એક વ્યક્તિ. મને મળવા આવ્યો હતો. હું સભામાં જાઉં છું, જ્યાં હોટલોમાં રોકાઉં છું, જુદા જુદા લોકોને મળતો રહું છું. એ વ્યક્તિએ  મને જણાવ્યું કે, ગુજરાતમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. તે વ્યક્તિ તેની સાથે તેનું વીજળીનું બિલ પણ લઈને આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારા ઘરમાં એક લાઈટ, એક પંખો અને એક ટીવી છે. તે છતાં વીજળીનું બિલ ₹3500 આવ્યું છે અને પહેલાંનું પણ ₹17000નું બિલ આપવામાં આવ્યું છે. અને જ્યારે અમે ₹17000નું આ ખોટું બિલ સુધારવા જઈએ છીએ, ત્યારે તે લોકો અમારી પાસે લાંચ માંગતા કહે છે કે પહેલા ₹10000-₹12000 આપો પછી જ તમારું વીજળીનું બિલ ઓછું કરીશું  છે, તે વ્યક્તિ કહી રહ્યો હતો કે, મને એ નથી સમજાતું કે હું વીજળીનું બિલ ભુ કે પછી મારા બાળકોને ભણાવું! અમે દિલ્હી અને પંજાબમાં મોંઘવારીથી દરેકને રાહત આપવા માટે, દરેકના વીજળીના બિલને ઝીરો કરી દીધા, દરેકના જૂના બિલ માફ કરી દીધા. જો ઇમાનદાર સરકાર આવી તો ગુજરાતમાં પણ આવું થઈ શકે છે. આ લોકો મને ગાળો આપે છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચે છે. હું ઇચ્છું છું કે ગુજરાતના લોકો તેમના મુખ્યમંત્રીને પૂછે કે, તેઓને કેટલી વીજળી મફતમાં મળે છે? મુખ્યમંત્રીને 5000 યુનિટ વીજળી અને અન્ય તમામ મંત્રીઓને 4000 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. જો તેમના મંત્રીઓને મફતમાં વીજળી મળી શકતી હોય તો જનતાને ઓછામાં ઓછા 300 યુનિટ વીજળી મફતમાં મળવી જોઈએ. આજે હું અહીંથી એલાન કરવા જઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટીને વોટ આપો, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી સૌના વીજળીના બિલ ઝીરો આવવા લાગશે અને જૂના બિલ પણ માફ કરવામાં આવશે.

       અમારી સરકાર બન્યા પછી, અમે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ આપીશું. જો એક પરિવારમાં 3 મહિલાઓ હોય, તો તે પરિવારને દર મહિને ₹3000 મળશે. હું હમણાં સુરત આવ્યો હતો ત્યારે એક દીકરી મારી પાસે આવી અને રડી રહી હતી કે મેં જેવી-તેવી રીતે મારા ગામમાંથી ધોરણ 12 સુધી તો ભણી લીધું છે પરંતું મારા પિતા પાસે નજીકની કોલેજમાં આવવા-જવાના પૈસા નથી. તો આવી ઘણી દીકરીઓ કે જેઓ તેમનો આગળનો અભ્યાસ નથી કરી શકતી તેઓ આ ₹1000ની મદદથી તેમનો આગળનો અભ્યાસ પૂરો કરી શકે છે. આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે માતાએ પોતાના બાળકોનાં દૂધમાં કાપ મૂકવો પડે છે. જો મહિલાઓને મહિને 1000 રૂપિયા મળે છે, તો માતા તેના બાળકોને સારું ભોજન આપી શકે છે, તેમના શિક્ષણનું ધ્યાન રાખી શકે છે. ઘણી બધી વૃદ્ધ માતાઓને  પોતાની દીકરી ઘરે આવે છે ત્યારે તેને કંઈક આપવાની ઈચ્છા હોય છે, પરંતુ પૈસા માટે તેમણે તેમનાં પતિ કે પુત્રની સામે જોવું પડે છે. પરંતુ આ હજાર રૂપિયાના કારણે તેમને કોઈની સામે જોવું નહીં પડે, તે પોતે જ તેમની પુત્રીને 100 રૂપિયા આપી શકે છે.

       ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો  તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો.

          જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ  એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને  ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

        દિલ્હીમાં ખાનગી શાળાઓએ લૂંટ મચાવી હતી. અમે આવતાની સાથે જ તમામ ખાનગી શાળાઓનું ઓડિટ કરાવ્યું. દેશની મોટી શાળાઓ વિશે જાણવા મળ્યું કે તેઓએ ₹50000 કરોડની બેંકમાં FD જમા કરાવી છે. તમારી ફી વધારીને તમને લૂંટી રહ્યા છે અને તમારી ફી થી બેંકમાં એફડી કરાવીને રાખી છે. આ એક બહુ મોટો ગુનો છે, જે પણ શાળાઓ છે તે ચેરીટેબલ ટ્રસ્ટ હોય છે, તેઓ પૈસા ભેગા કરી શકતા નથી. પૈસા ભેગા કરવા એ ગુનો છે. તેમની તમામ શાળાઓની એફડી તોડાવી અને તમામ જૂની ફી પરત કરાવી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તેમણે જેટલી ફી લીધી હતી તે બધા પૈસા અમે વાલીઓને પાછા અપાવ્યા. ભારતના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે તમારી બેંકમાં શાળામાંથી પૈસા પાછા આવ્યા હોય. અને ત્યાર બાદ આદેશ જાહેર કર્યો કે સરકારની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ફીમાં વધારો કરી શકશે નહીં. જો તમારે ફી વધારવી હોય તો તમારે સરકારને કહેવું પડશે કે તમે શા માટે ફી વધારવા માંગો છો. દિલ્હીમાં 7 વર્ષથી કોઈએ ફી વધારી નથી, ગુજરાતમાં પણ આવું કરીશું. સરકારી શાળાઓ પણ ઠીક કરવાની છે, ખાનગી શાળાઓ પણ ઠીક કરવાની છે અને આ નિયત માત્ર આમ આદમી પાર્ટીની પાસે છે.

         દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી દીધી છે. આજે કોઈને ગંભીર બીમારી થઇ જાય છે તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે મૂકી દેવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. તે પછી અમીર હોય કે ગરીબ હોય, તમામ સારવાર મફત, તમામ દવાઓ મફત, તમામ ટેસ્ટ મફત, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત, આનો અમલ ગુજરાતમાં પણ લાગુ કરીશું. ખાસ કરીને કચ્છના વિસ્તારમાં મને કહેવામાં આવ્યું છે કે  કોઈ સરકારી હોસ્પિટલ નથી, અહીં દરેક જિલ્લામાં એક-એક મોટી સરકારી હોસ્પિટલ ખોલવામાં આવશે. અમે એટલી સારી હોસ્પિટલ ખોલીશું કે પ્રાઈવેટ જવાની જરૂર નહીં પડે. જે રીતે દિલ્હીમાં તમામ સારવાર મફત છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સારવાર મફત કરવામાં આવશે. તમે 27 વર્ષથી તેમને સહન કરી રહ્યા છો, હવે તેમને દૂર કરવાનો સમય આવી ગયો છે.

        હમણાં થોડા દિવસ પહેલા જ એક સરકારી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની નક્કી છે. જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે, ચારેબાજુ ગુંડાગર્દી શરૂ કરી દીધી છે, લોકોને ધમકાવવા લાગ્યા છે. દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવનાર સત્યેન્દ્ર જૈનની આ લોકોએ ધરપકડ કરી છે. આ બધા લોકો ઈચ્છે છે કે દિલ્હીની અંદર જે સારું કામ થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. હવે આ લોકો મનીષ સિસોદિયાજીની ધરપકડ કરવાના છે. મનીષ સિસોદિયાજી એ વ્યક્તિ છે જેણે દિલ્હીની શાળાઓને શાનદાર બનાવી, બાળકોનું ભવિષ્ય બનાવ્યું. તે લોકો કહી રહ્યા છે કે દિલ્હીમાં સારું કામ બંધ થઈ જશે મનીષ સિસોદિયાજીની ધરપકડ કરાવો. પરંતુ અમને તેમની જેલથી ડર નથી લાગતો. જ્યારથી આમ આદમી પાર્ટીની સરકારની બનશે એવો રીપોર્ટ આવ્યો છે ત્યારથી આ બંને પાર્ટીઓની સિક્રેટ મિટીંગ કરવામાં આવી રહી છે કે કંઈ પણ કરો પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. તેઓ જાણે છે કે આમ આદમી પાર્ટીના લોકો આવશે તો અમારી લૂંટ બંધ થઈ જશે. જો આમ આદમી પાર્ટીના લોકો આવશે તો સરકારના તમામ પૈસા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા પાછળ વપરાશે. 27 વર્ષથી ભાજપને અહંકાર આવી ગયો છે, હવે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જનતાની સરકાર બનશે.

       પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જૂનાગઢની જનતાને સંબોધતા કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે મોટી સંખ્યામાં માતા-બહેનો આવ્યા છે. આ ખૂબ જ સારી વાત છે કારણ કે સ્ત્રીઓ વિના ઘર નથી ચાલી શકતું તો સ્ત્રીઓ વિના દેશ પણ નથી ચાલી શકતો. 27 વર્ષ થઈ ગયા પરંતુ ગુજરાતમાં એક જ પક્ષનું શાસન છે. હું જનતાને અપીલ કરું છું કે આ વખતે બદલી નાંખો. અમે અહીં કોઈ લોભને લીધે નથી આવ્યા, હું અહીં માત્ર તમને એ કહેવા આવ્યો છું કે આમ આદમી પાર્ટી જ્યાં એક વાર આવે છે, ત્યાં વારંવાર આવે છે કારણ કે અમે ઈમાનદારીથી કામ કરીએ છીએ. જ્યાં ભગવાને આટલા સુંદર પહાડો આપ્યા છે, દરિયો આપ્યો છે, અલગ અલગ સુંદર હવામાન છે, સારા માણસો આપ્યા છે, પણ અભાવ છે તો માત્ર સાચી નિયત અને પ્રામાણિક લોકોની સરકારનો અભાવ છે. પરંતુ આ અભાવ પણ ડિસેમ્બરમાં ભરાઈ જશે. મને ખબર નથી કે તમારે અચ્છે દિન આવ્યો છે કે નહીં, પરંતુ હું જાણું છું કે ડિસેમ્બર પછી અરવિંદ કેજરીવાલજીના સચ્ચે દિન ચોક્કસ આવશે.

      જ્યારે દરેક વ્યક્તિ બાળકને શાળામાં દાખલ કરે છે, ત્યારે પ્રથમ ચિંતા ફીની હોય છે. ભાજપ અને કોંગ્રેસે મળીને સરકારી શબ્દની સામે જે કંઈ હતું તેને નાબૂદ કરીને ખાનગીવાળાને બજાર આપી દીધું. ભાજપ કોંગ્રેસના લોકોએ ખાનગી શાળા વાળાને કહ્યું કે અમે સરકારી શાળાઓને બરબાદ કરી દીધી છે, હવે દરેક વ્યક્તિ પોતાના બાળકને ખાનગીમાં ભણાવશે હવે કહો કે "તમે અમને કેટલો હિસ્સો આપશો". એ જ રીતે તેઓએ હોસ્પિટલોની ખરાબ હાલત કરી. અને આ કારણોસર લોકોને ખાનગી દવાખાનામાં જવાની ફરજ પડી રહી છે. હમણાં હું અહીંયા આવતો હતો ત્યારે જોયું કે રસ્તા પર ખાડા નથી, પણ ખાડાઓમાં રસ્તા છે. આ લોકો આપણા બાળકોને તે પુસ્તકો, તે શાળા, તે વાતાવરણ આપતા નથી જે આપણા બાળકોને અધિકારી બનાવે. મેં દિલ્હીની સરકારી શાળાઓમાં જોયું છે કે એક કલેક્ટરનો દીકરો, એક જજનો દીકરો અને ઝૂંપડપટ્ટીમાં રહેનારનો દીકરો એક જ બેન્ચ પર બેસીને એક જ પ્રકારનું પુસ્તક વાંચે છે, આ કામ ફક્ત અરવિંદ કેજરીવાલજી જ કરી શકે છે. પહેલા એવું થતું હતું કે તેમના બાળકોની શાળાઓ અને પુસ્તકો અલગ અને આપણા બાળકોની શાળાઓ અને પુસ્તકો અલગ. તેઓ ગરીબોના બાળકોને ભણાવવા માંગતા નથી, કારણ કે તેઓ જાણે છે કે ગરીબનું બાળક ભણશે તો તે અધિકારી બનશે અને તેના ઘરની ગરીબી દૂર કરશે અને જો ગરીબી દૂર થશે તો તે મોટા નેતાઓ અને અધિકારીઓના ઘરની બહાર લાઈનમાં કોણ ઉભું રહેશે?

      પંજાબમાં હવે સરકાર બનીને માત્ર 6 મહિના થયા છે અને અમે અમારી ગેરંટી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે એક હેલ્પ લાઇન શરૂ કરી છે. અમે લોકોને કહ્યું છે કે જો કોઈ અધિકારી તમારી પાસે એક પૈસો પણ માંગે તો ના પાડશો નહીં, તમારા મોબાઈલથી વીડિયો બનાવો અને અમને મોકલો, બાકીનું કામ સરકાર કરશે. પંજાબમાં હવે સરકારી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તેમનો પગાર કેટલો છે કારણ કે અમે ભ્રષ્ટાચારની બધી કમાણી બંધ કરી દીધી છે. અહીં પણ બની શકે છે. અહીં સારી નિયતવાળી સરકારની જરૂર છે. પંજાબમાં અમે દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી કરી છે. સવારે ચા બનાવવાથી લઈને તમે રાત્રે પથારીમાં સૂવો છો તે દરેક વસ્તુ પર ટેક્સ લાગે છે, તો પછી મને સમજાતું નથી કે સરકારની તિજોરી કેવી રીતે ખાલી થઈ જાય છે? કોઈ ખજાનો ખાલી નથી, તેમનો નિયત ખાલી છે.

       થોડા દિવસ પહેલા જ અમિત શાહજીએ એક શાળાનું ઉદઘાટન કર્યું હતું. હવે આ લોકોને શિક્ષણ યાદ આવ્યું. આજે આ લોકો અમારી હોટલના રૂમ કેન્સલ કરાવે છે, હોલ કેન્સલ કરાવે છે, દેશમાં લોકશાહી છે અને લોકશાહીમાં લોકો રાજ કરે છે. જો કોઈની અંદર અહંકાર આવી જશે તો આ જનતા તેને જમીન પર પણ લાવી શકે છે. તેઓ અમારાથી ડરતા નથી પણ હજારોની સંખ્યામાં આવેલી આ ભીડથી ડરે છે. પરંતુ આ લોકો આ જન પ્રવાહને રોકી શકશે નહીં. અમારુ ચૂંટણી ચિન્હ ઝાડૂ છે અને ઝાડૂ કાદવ સાફ કરે છે, કાદવ સાફ કરીશું તો કમળ ઉગશે નહીં. તમારું ભવિષ્ય વોટિંગ મશીનના બટન પર આધારિત છે, જો તમે ખોટું બટન દબાવશો તો તમે તમારા બાળકોનું ભવિષ્ય ગીરવે મુકી દેશો. પરંતુ જો તમે ઝાડૂનું બટન દબાવો છો, તો સમજી લો કે તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી દીધું છે.

જૂનાગઢમાં આયોજિત આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ, કિસાન વિંગના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(10:57 pm IST)