સુરતના રાંદેરમાં ATM મશીનમાં છેડછાડ કરી 1.30 લાખ તફડાવનાર રાજસ્થાની મેવાતી ગેંગનો સાગરીત ઝડપાયો
-- જુનેદે અન્ય ત્રણ જેટલા સાગરીતો સાથે મળી એસબીઆઈ બેંકના બે એટીએમને નિશાન બનાવી છેડછાડ કરી હતી
સુરતના રાંદેરમાં એસબીઆઈ બેંકના બે એટીએમ મશીનમાં છેડછાડ કરનાર રાજસ્થાનની મેવાતી ગેંગના એક સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં સામે આવ્યું હતું કે, જુનેદ નામના શખ્સે પોતાના અન્ય ત્રણ જેટલા સાગરીતો સાથે મળી રાંદેર વિસ્તારના એસબીઆઈ બેંકના બે એટીએમને નિશાન બનાવી તેમાં છેડછાડ કરી હતી. જેમાં એટીએમ મશીનને રિસેટ કરી 1.30 લાખ રૂપિયાની રકમ બેન્કમાંથી રિફંડ મેળવી લેવામાં આવી હતી.
બેંકના ઓડિટ રિપોર્ટમાં ડિપોઝીટ અને વિડ્રો સિસ્ટમમાં વિસંગતતા જણાઈ આવી હતી. જ્યાં બેંક દ્વારા તપાસ કરતા કેટલાક શખ્સો દ્વારા એટીએમ મશીનમાં છેડછાડ કરી રિફંડ મેળવાયુ હતું,જ્યાં બેંક દ્વારા રાંદેર પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.જ્યાં અન્ય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.