ગુજરાત
News of Sunday, 1st August 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓનલાઈન ટીકીટીંગ સર્વર ખોરવાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી

રાજપીપળા : કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા પ્રવાસન સ્થળો ધીમે ધીમે શરૂ કરાઈ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા તો કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા પ્રવાસીઓને જણાવાય છે પણ પ્રવાસીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલની શનિ-રવિની રજામા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા પરંતુ ઓનલાઈન ટીકીટનું સર્વર ખોરવાતા પ્રવાસીઓએ રીતસરનો હોબાળો મચાવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારના દિવસે ઓનલાઇન ટિકિટ માટેનું સર્વર ખોટકાયુ હતું.જો કે તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઈન ટિકિટ વેચાણના કાઉન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી.સ્વાગત કચેરી ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, તો બીજી બાજુ પ્રવાસીઓએ ઓફ લાઈન ટીકીટ લેવા માટે અટવાતા હોબાળો મચાવ્યો હતો.

પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમે ઓનલાઇન ટિકિટ બુક કરવા માટે પૈસા ખર્ચ્યા અમારા એકાઉન્ટ માંથી પૈસા તો કપાઈ ગયા પરંતુ ટિકિટ ન મળતાં અમારે ઓફલાઈન ટીકીટ માટે ઉભું રહેવું પડયું છે જેથી એમનામાં રોષ ફેલાયો હતો.આખરે કલાકો બપોરના ટિકિટનું સર્વર પુનઃ શરૂ થતાં ઓન લાઈન ટિકિટ સેવા શરૂ થઈ જતા પ્રવાસીઓને રાહત થઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાવાળાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ માત્ર ઓનલાઈન પદ્ધતિથી બુકિંગ થઈ શકે છે. રવિવારે વહેલી સવારે ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાતા તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન ટિકિટ વેચાણના કાઉન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. જેનો પ્રવાસીઓએ લાભ લીધો છે. ટૂંક જ સમયમાં ટેકનિકલ ખામીને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવતા ઓનલાઈન બુકિંગ ફરીથી શરૂ થયેલ છે. તમામ પ્રવાસીનાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે.

(7:40 pm IST)