ગુજરાત
News of Sunday, 1st August 2021

વડોદરા પાસે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત : કેબીનમાં ડ્રાયવર કલીનર ફસાતા માંડ-માંડ બહાર કાઢ્યા

ટ્રેલર ચાલકની હાલત ગંભીર : ઘટના સ્થળે પોલીસ પહોંચી રોડ ખુલ્લો કરાવ્યો

વડોદરા : વડોદરા પાસે આવેલ ફર્ટીલાઇઝર બ્રિજ પાસે વહેલી સવારે અમદાવાદથી સુરત જતું ટ્રેલર આગળ જતાં ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બંને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ટ્રેલરના કેબિનમાં ફસાઇ ગયેલા ટ્રેલર ચાલક સહિત બે વ્યક્તિઓને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ટ્રેલર ચાલકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું છે. અકસ્માતના બનાવને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

વહેલી સવારે 6 વાગ્યાના સુમારે અમદાવાદથી સુરત જતું ટ્રેલર આગળ જતી ટ્રકમાં ધડાકા સાથે ભટકાયું હતું. આગળ જતી ટ્રકમાં પાછળથી ધડાકા સાથે ટ્રેલર ઘૂસતા ભટકાયેલા ટ્રેલરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ટ્રેલરના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર-ક્લિનરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સ્થાનિક લોકોથી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને ટ્રેલરમાં ફસાયેલા ટ્રેલર ચાલક અને ક્લિનરને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

દરમિયાન અકસ્માતની જાણ છાણી પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. અને અકસ્માતના કારણે જામ થઇ ગયેલા ટ્રાફિકને હળવો કર્યો હતો. જોકે, આ બનાવને પગલે ગણતરીની મિનિટોમાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ કરતા ટ્રેલરમાં ફસાયેલા ચાલકનું નામ દિવાલર શેખ (ઉં.45) હોવાનું બહાર આવ્યું હતું. અને આ ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જઇ રહ્યું હતું. તે સમયે ફર્ટીલાઇઝર બ્રિજથી નીચે ઉતરતી વખતે આગળ જતાં ટ્રકમાં ધડાકા સાથે ભટકાયું હતું.

આજે વહેલી સવારે બનેલા અકસ્માતના બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અને અકસ્માત થયેલ ટ્રેલર અને ટ્રકને રોડની સાઇડ ઉપર ખસેડી માર્ગ ખૂલ્યો કર્યો હતો.

(12:55 pm IST)