ગુજરાત
News of Saturday, 1st August 2020

ફ્રેન્ડશીપ ડે : કૃતનિશ્ચયી કોવિડ બડી: સાથીનું રક્ષણ હર કદમ હર ઘડી : સિવિલમાં કોરોના યોદ્ધાઓની "Covid Buddy" વાળી મિત્રતા

કોરોના સામેની લડતમાં પોતે ન ઘવાઇ જાય તે માટે 'કોવિડ બડી'નો સહયોગ ખૂબ જ જરૂરી

અમદાવાદ : કોરોના સામેની લડતમાં સ્વરક્ષણ શ્રેષ્ઠ હથિયાર છે. ખાસ કરીને જે તબીબો કોરોનાગ્રસ્તની સારવારમાં ખડેપગે રાત-દિવસ સેવા-સુશ્રાષા કરી રહ્યા છે તેમની માટે સ્વરક્ષણ ખૂબ જ જરૂરી છે. કોરોનાગ્રસ્તની સારવાર કરતા પોતે જ કોરોનાથી સંક્રમિત ન થઈ જવાય તે અતિઆવશ્યક છે.

 

 કોરોનામાં પી. પી. ઈ. કીટ પહેરીને દર્દીની સારવાર કરવામાં આવે છે. પરંતુ આ પી. પી. ઈ. કીટ પહેરવામાં ઘણા તબક્કા રહેલા છે. યોગ્ય રીતે પી.પી.ઈ. કીટ પહેરેલી હોય ત્યારે નખશીખ રક્ષણ મળતુ હોય છે. યોગ્ય રીતે પી.પી.ઈ. કીટ પહેરવા માટે અને બરાબર પહેરી છે કે નહીં તેની ખરાઈ કરવા માટે એક મિત્રની ખાસ જરૂર પડે છે. જેને કોવિડ બડી કહેવામાં આવ્યા છે. પી.પી.ઈ. કીટ પહેરવામાં આવે તેને ડોનિંગ કહે છે અને જ્યારે પી.પી.ઈ. કીટ કાઢવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને ડોફિંગ કહેવામાં આવે છે.
  ડોનિંગ વખતે પગના ભાગથી પી. પી.ઈ. કીટ પહેરવાનું શરૂ કરવામાં આવે છે. સૌપ્રથમ સુ કવર પહેરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર શરીરને ઢાંકતુ સુટ પહેરાય છે. ત્યાર બાદ માથાના ભાગને કવર કરવામાં આવે છે.હાથમાં ગ્લવઝ પહેરાય છે.આ તમામ વસ્તુ પહેર્યા બાદ સમગ્ર શરીર ઢંકાઈ જાય તે રીતે પી. પી. કીટ બંધ કરવામાં આવે છે અને છેલ્લે માસ્ક અને ચશમાં પહેરવામાં આવે છે. આ ડોનિંગ પ્રક્રિયામાં સારી રીતે બધી વસ્તુ પહેરાવવા માટે અને તેની ખરાઈ કરવા માટે buddy મિત્રની ભૂમિકા અહમ છે.
ડોફિંગ પક્રિયા એ ડોનિંગ પ્રક્રિયાથી રીવર્સ ઓર્ડરમાં તબક્કાવાર અનુસરવામાં આવે છે એટલે કે સરળભાષામાં કહીએ તો ડોનિંગ પ્રક્રિયામાં જે પહેલું પહેર્યુ હોય તે ડોફિંગની પ્રક્રિયામાં  છેલ્લે કાંઢવાંમા આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં buddy ના માર્ગદર્શનથી સમગ્ર પ્રક્રિયા સરળ બની રહે છે. સચોટ માર્ગદર્શનના કારણે અનુકરણ કરવામાં મુશકેલી રહેતી નથી. ડોનિંગ અને ડોફિંગની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ સ્ટેપ છૂટી જાય, ક્યાંક બેદરકારી, ગફલત થઈ જાય ત્યારે સંક્રમિત થવાની સંભાવના મહત્તમ રહેતી હોય છે.આવા સમયે buddyની ભૂમિકા મહત્વની બની રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં buddy સિસ્ટમ શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતુ. જેમાં બે અથવા બે થી વધારે મિત્રોની ટીમ દ્વારા સારવાર દરમિયાન એક બીજાને સંક્રમિત થતા રોકવા મદદરૂપ બની શકાય.એક બીજાને ઈન્ફેક્શન કંટ્રોલ કરી શકાય. પી.પી.ઈ. ડોનિંગ અને ડોફિંગ, હેન્ડ હાઈજીન પ્રોપર જળવાય તે માટે બડીની ભૂમિકા અગત્યની છે.
દુનિયાભર ભરમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને મિત્રતા દિવસ તરીકે ઉજવવાનું ચલણ છે.આ દિવસ ગમે તે ભોગે જીવનની દરેક પરિસ્થિતિમાં એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને મદદરૂપ બનતા મિત્રોને સમર્પિત છે.

  સંકલન ,,:અમિતસિંહ ચૌહાણ

(7:26 pm IST)