ગુજરાત
News of Saturday, 1st August 2020

ચાણસ્મા તાલુકાના ગોરખવા ગામની સીમમાં બાળ લગ્ન કરાવવા બદલ પોલીસે યુવક સહીત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ

ચાણસ્મા:તાલુકાના ગોખરવા ગામની બાળકીના ભાટસર યુવક સાથે બાળલગ્ન કરાવ્યા હોવા બાબતની મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેને જાણ થતાં યુવક સહિત પાંચ લોકો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. 

મદદનીશ કલેક્ટરની સુચના અનુસાર પાટણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા તેમની ટીમ દ્વારા સામાજીક કાર્યકરને સાથે રાખી બાળલગ્ન બાબતે તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બાબતે પુછપરછ કરતાં ગોખરવા ગામે રહેતી બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની દિકરીના લગ્ન ભાટસર ગામના યુવક સાથે તા.૨ જૂન ૨૦૧૯ના રોજ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમ દ્વારા બાળકીના સાસરીપક્ષે આ બાબતની પુષ્ટી કરી હતી તથા યુવકે પણ બાળલગ્ન કર્યા હોવાનું સ્વીકાર્યું હતું.

(5:25 pm IST)