ગુજરાત
News of Friday, 1st July 2022

અમદાવાદના ઉસ્માનપુરા ગાર્ડન નજીક એક્ટિવા પર જઈ રહેલ સિનિયર સિટિજનને નિશાન બનાવી બે શખ્સોએ ચપ્પુની અણીએ 1 લાખની લૂંટ ચલાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: ઉસ્માનપુરા ગાર્ડન પાસેથી ગત સોમવારે સવારે એક્ટિવા પર પસાર થતા સિનિયર સિટીઝનને રોકી બે શખ્સે ચાકુ બતાવી રૂ.1,68,500ની મત્તાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. વાડજ પોલીસે બનાવને પગલે ગુરૂવારે બપોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

રાણીપ ગામમાં રાકૃષ્ણ સોસાયટીમાં રહેતા નારણભાઇ લક્ષ્મણભાઇ ગોહિલ ઉં,60 એક્ટિવા લઈ ગત સોમવારે સવારે 8 વાગ્યે ઉસ્માનપુરા દરગાહ પર દર્શન કરવા ગયા હતા. તેઓ નાબાર્ડ બેંકની સામે ઉસ્માનપુરા ગાર્ડન ટર્ન પાસે હતા. તે સમયે પાછળથી એક્ટિવા પર આવેલા બે યુવકે નારણભાઈને રોકી લીધા હતા. યુવકો નીચે ઉતર્યા અને ચાકુ કાઢી એક યુવકે નારણભાઈના પેટ પર અડાડી દીધું હતું. યુવકે કહ્યું ચુપચાપ દાગીના કાઢી આપ આથી ગભરાઈ ગયેલા નારણભાઈએ એક એક તોલાની બે વીંટી, બે તોલાની ચેઇન અને બે તોલાની લકી મળી કુલ 6 તોલા સોનાના દાગીના આરોપીઓને કાઢીને આપી દીધા હતા. બનાવને પગલે વાડજ પોલીસે શારદાબહેન હોસ્પિટલના નિવૃત્ત સફાઈ કામદાર નારણભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)