ગુજરાત
News of Wednesday, 1st July 2020

મણિનગર સ્વામિનારાયણ મંદિરના ૧૧ સંતો સંક્રમિત

કોરોના વાયરસનો ભરડો હવે મંદિરો સુધી પહોંચ્યો : સ્વામિનારાયણ મંદિરના સંતો સારવાર હેઠળ, મંદિરે સત્તાવાર માહિતી ટાળી, મંદિર સેનેટાઈઝ કરી બંધ કરાયું

અમદાવાદ, તા. ૧ : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મળતી વિગત મુજબ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ૧૧ સંતો સંક્રમિત થયા છે. જેઓ હાલ સારવાર હેઠળ છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, મંદિરના ૧૧ નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે. તો બીજી તરફ આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, ૧૧ સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરને ફરીથી ખોલવા માટે ૧૫ની જુલાઇ બાદ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

        ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો ૬૦૦થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક ૨ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ ૬૨૦ કેસો નોંધાયા હતા. જ્યારે ૨૦ દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને ૪૨૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૨૬૪૩ થયો છે. જ્યારે મોતનો કુલ આંક ૧૮૪૮ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨૩૬૭૦ પર પહોંચ્યો છે.

(7:52 pm IST)