ગુજરાત
News of Friday, 1st June 2018

સૌરાષ્ટ્ર-કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવા વરસાદ માટે આગાહી

પાંચમી સુધીમાં ઝરમર વરસાદની આગાહી કરાઈઃ ઉનાળાની બળબળતી ગરમીથી હેરાન થયેલા લોકો માટે રાહતના સમાચાર : ચોમાસાની સિસ્ટમ સક્રિય થઇ ગઈ

અમદાવાદ, તા.૧: ચામડી બાળી નાખતી અને શરીરના આરોગ્ય પર ગંભીર અસરો પાડતી ઉનાળાની ઋતુ તેનો જોરદાર પરચો બતાવી રહી છે ત્યારે હવામાન ખાતા દ્વારા આજે પ્રજાજનોને કંઇક રાહતભર્યા હવામાનની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, તા.૧લી જૂનથી તા.પ જૂન દરમ્યાન નૈઋત્યના પવન ફૂંકાતા રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવો વરસાદ તેમજ અમુક ભાગમાં વીજળી સાથે વરસાદ વરસી શકે છે. જો કે હવામાન ખાતાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે ગરમીનો પારો રહેવાની પણ આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહીની બીજીબાજુ, ચોમાસાને લઇ હવામાન નિષ્ણાતોના મતે, ચોમાસાની સીસ્ટમ ધીરે ધીરે સક્રિ બની રહી હોઇ આ મહિનામાં છૂટાછવાયા વરસાદ કે હળવા ઝાપટાની શકયતા છે પરંતુ વિધિવત્ ચોમાસુ તો જૂનના અંત પહેલાં અને જૂલાઇના પ્રથમ સપ્તાહથી જામશે. ઉનાળાની બળબળતી ગરમીને લઇ હીટવેવનો ખાસ્સો લાંબો કહી શકાય તેવો સમયગાળો પસાર થઈ ચુક્યો છે. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કેટલાક વિસ્તારોમાં દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું હતુ અને પવનની ગતિ પણ નોંધાઇ હતી, જેને લઇ અસહ્ય ગરમી અને બાફના ઉકળાટની સ્થિતિ પણ જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજયભરના પ્રજાજનો ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન ખાતાએ આજે નાગરિકોને કંઇક અંશે રાહત આપતાં સમાચારની આગાહી કરી હતી. હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ દરમ્યાન એટલે કે, તા.૧ જૂનથી ૫ જૂન સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં ઝરમર વરસાદ કે વીજળી સાથે છૂટાછવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે.

જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકુ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ સૂકુ રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એકટીવ થઇ રહેલ લો પ્રેશરની પ્રક્રિયાના કારણે હવે ગુજરાતમાં પણ હવે થોડા દિવસોમાં જ ચોમાસાની દેખા દે તેવી પૂરી શકયતા પ્રવર્તી રહી છે, જેથી ગરમીથી ત્રસ્ત પ્રજાજનોને રાહત મળશે.

(9:54 pm IST)