ગુજરાત
News of Friday, 1st June 2018

અમદાવાદ ભાજપ યુવા મોરચાના મંત્રી રાહુલ સોની દ્વારા હિપોલિન કંપનીના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહ, તેના પત્ની અને પુત્રને રિવોલ્વરની અણીઅે ખુનની ધમકી

અમદાવાદઃ બોડકદેવના શાંતિ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક શાહે ર૦૧૪માં હિપો‌િલન કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યા બાદ પોતાનો ધંધો શરૂ કરવા માટે સેટેલાઇટની શ્રીનાથપાર્ક સોસાયટીમાં રહેતા શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી રાહુલ સોની પાસેથી દોઢ ટકાના વ્યાજે રૂ. ૮૦ લાખ લીધા હતા, જેનું દર મહિને વ્યાજ રૂ. ૧.ર૦ લાખ રાહુલ સોનીને આપતા હતા. રાહુલ સોની અને વિવેક શાહ વચ્ચે વ્યાજના પૈસાને લઈ માથાકૂટ ઊભી થતાં રાહુલ સોનીએ પોતાની મૂડી પરત માગી હતી. જો મૂડી ન આપે તો સિક્યોરિટી પેટે કંઈ વસ્તુ આપવા જણાવ્યું હતું. ધંધામાં પૈસા રોકી દીધા હોવાથી વિવેક શાહે તેના ધંધામાંની આવક રાહુલ સોનીને ચૂકવી હતી.

ત્રણેક મહિના બાદ રાહુલે રૂ. ર.પ કરોડ લેવાના નીકળે છે તે આપી દો તેમ કહ્યું હતું. રાહુલ તેના ભાગીદારો પૈસા માગે છે તેમ કહી તેના ભાગીદાર દેવરાજ મુખી (રહે. બોપલ) પાસે વિવેકને લઇ ગયો હતો, જ્યાં દેવરાજે વિવેકને ધમકાવી પૈસા આપવાનું કહેતાં તેઓએ તેમની પત્નીની કર્ણાવતી ક્લબની મેમ્બરશિપ રાહુલના નામે ટ્રાન્સફર કરી આપી હતી.

વ્યાજનું વ્યાજ ચઢતું હોઈ વિવેકે પ્રહ્લાદનગરમાં આવેલો તેની પત્નીના નામનો ગ્રીન એકર્સનો ફ્લેટ, નળ સરોવરમાં આવેલો ૧૦૦૦ ચો. મીટર વારના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હતો. ૧પ દિવસ બાદ ફરી ઉઘરાણી કરવા રાહુલ સોની આવ્યો હતો અને રાજેશ ઠક્કર અને અન્ય બે વ્યક્તિને રૂપિયા આપવાના છે, માટે એક કરોડની કિંમતની કોઈ વસ્તુ સિક્યોરિટી પેટે આપવા જણાવ્યું હતુંં, જેથી માણેકબાગ ખાતે આવેલ ઓશવાલ ક્લબમાં રાહુલ વિવેકને લઈને ગયો હતો.

હર્ષદ પરમાર અને જીવણ પરમારે બેન્કમાં ગીરવે મૂકેલ ગોયલ વોટરપાર્કની પ્રોપર્ટી સિક્યોરિટી પેટે માગી હતી. જીવણ પરમારના ભા‌િણયા બ્રિજેશના નામે આ પ્રોપર્ટી કરી આપવાનું કહેતાં પાવર ઓફ એટર્નીના આધારે વિવેકે બ્રિજેશના નામે પ્રોપર્ટીનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

દસ્તાવેજ કર્યા બાદ પ્રોપર્ટી બેન્કમાં ગીરવે મૂકેલ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ કરી આપ્યો હોવા અંગે બ્રિજેશે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિવેક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. વિવેક જ્યારે જેલમાં હતો ત્યારે હર્ષદ પરમાર અને જીવણ પરમારે સમજૂતી કરાર કરાવ્યો હતો, જે મુજબ વિવેકે પૈસા પણ ચૂકવી આપ્યા હતા.

રાહુલ સોનીએ પૈસા માટે ઘરે આવી વિવેકની પત્ની અને પુત્રના માથે રિવોલ્વર રાખી સિક્યોરિટી પેટે આનંદનગરના નિશાંત-2 બંગલોઝમાં આવેલ બંગલાનું બાનાખત કરાવી લીધું હતું. ચારેક દિવસ બાદ દેવરાજ અને રાહુલ સોનીએ ઘરે આવી વિવેક પાસેથી રૂ. ૮ કરોડ લેવાના નીકળે છે તેમ કહી મકાનનો દસ્તાવેજ કરવા અથવા પ૦ લાખની સિક્યોરિટી માગી હતી. જેથી રૂ. પ૦ લાખના દાગીના વિવેક શાહે આપ્યા હતા.

(6:35 pm IST)