ગુજરાત
News of Friday, 1st June 2018

નડિયાદ તેમજ વસો નજીક જુદા-જુદા અકસ્માતમાં ચાર મુસાફરને ઇજા

ખેડા: જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ત્યારે નડિયાદ તેમજ વસો નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર જણાંને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ નવારાવપુરા કોલેજ રોડ ઉપર રહેતા રૂદ્ર સંજયકુમાર પંડયા ગત તા.૨૯-૫-૧૮ના રોજ એક્ટીવા નં. જીજે-૦૭ બીએફ-૭૭૨૮ ઉપર જીગર મિસ્ત્રીને બેસાડી જઈ રહ્યો હતો. આ દરમિયાન પવનચક્કીથી કૃષ્ણનગર સોસાયટી રોડ ઉપર પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યો સફેદ કલરની ગાડીનો ચાલક એક્ટીવાને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી એક્ટીવા સાથે બંને રોડ ઉપર ફંગોળાઈ જતા રૂદ્ર પંડ્યા તથા જીગર ગોપાલભાઈ મિસ્ત્રીને ઈજા થઈ હતી. આ બનાવ અંગે રૂદ સંજયકુમાર પંડ્યાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં વસો તાલુકાના રૂણમાં રહેતા કિરણભાઈ પરસોત્તમભાઈ પટેલ ગત તા.૨૮-૫-૧૮ ના રોજ મોટર સાયકલ નં.જીજે-૨૩ એપી-૧૮૧૮ પાછળ મહેન્દ્રભાઈને બેસાડી વસો-દેવા રોડ પરથી જઈ રહ્યાં હતા. ત્યારે પૂરઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ બીજે-૮૫૪૪ પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક કિરણભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે કિરણભાઈ પરસોત્તમભાઈ પટેલની ફરિયાદ આધારે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 pm IST)