ગુજરાત
News of Friday, 1st June 2018

નડિયાદમાં મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં ચોથા માળેથી નીચે પટકાતા બે વ્યક્તિને ઇજા

નડિયાદ: શહેરના આઇજી માર્ગ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં બે વ્યક્તિઓ ગત મોડી રાત્રે ચોથા માળેથી નીચે પટકાતા ચકચાર મચી ગઇ છે. જોકે નીચે પટકાયેલા ઘર માલિક અને ઘરઘાટી શા માટે ચોથા માળેથી નીચે પટકાયા તે બાબતે અનેક રહસ્યો ચર્ચાઇ રહ્યા છે. જોકે નડિયાદ પશ્ચિમ પોલીસે સમગ્ર બાબતે માત્ર જાણવા જોગ નોધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

નડિયાદ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ આઇજી માર્ગ પર શિવમ એપાર્ટમેન્ટ આવેલ છે. એપાર્ટમેન્ટના ચોથા માળે જીતેન્દ્રભાઇ પટેલ અને તેમનો પરીવાર રહેતો હતો. જોકે જીતેન્દ્રભાઇને તેમની પત્નિ સાથે અણ બનાવ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પત્નીથી જુદા રહેતા હતા. ગઇકાલે રાત્રીના સમયે અચાનક જીતેન્દ્રભાઇ પત્નિના ફ્લેટ પર આવી પહોચ્યા હતા. અને ઘરમાં આવી બૂમાબૂમ મચાવી દીધી હતી. જેના થોડા સમય બાદ જીતેન્દ્રભાઇ અને તેમનો ઘરઘાટી અર્જુન ચોથા માળેથી નીચે પટકાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અને આસપાસના લોકો ઘટનાસ્થળ પર એકત્ર થઇ ગયા હતા. અચાનક બે વ્યક્તિઓ નીચે પટકાતા પોલીસ અને ૧૦૮ની ટીમ થોડી વારમાં ઘટના સ્થળ પર પોહોચી ગયા હતા. અને બંને ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
જોકે સમગ્ર ઘટના કયા કારણોસર બની? શા માટે બંને વ્યક્તિઓ નીચે પડ્યા? શું બંનેએ જાતે કુદકો માર્યો? કે પછી કોઇ અન્ય વ્યક્તિએ તેમને નીચે ફેકી દીધા? તેવા તમામ પાસાઓ પર તપાસ થાય તો ઘણી ચોકાવનારી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે હાલ અમીતભાઇ પટેલની જાહેરાતના આધારે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(6:00 pm IST)