ગુજરાત
News of Friday, 1st June 2018

ગુજરાતમાં ૨૨ જૂનથી નિયમીત ચોમાસુ બેસશેઃ ૪૮ થી ૫૫ દિવસમાં ૫૮ ઇંચ વરસાદ થશે : વર્ષા વિજ્ઞાનની આગાહી

રાજકોટ : જયારે ઈન્ટરનેટ, સેટેલાઈટ અને કમ્પ્યુટરનો જમાનો નહોતો ત્યારથી આપણે ત્યાં અવકાશી વિજ્ઞાન અને ખગોળિય વિદ્યાના આધારે વરસાદનો વરતારો વ્યકત કરવાની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ભડલી વાકયો સહિતની આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે. હોળીની ઝાળ, અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા, આકાશનો કસ, પ્રકૃતિની ગતિવિધિઓ વગેરેના આધારે જાણકારો દ્વારા કરાતી આગાહી અનેક વખત સચોટ સાબિત થઈ છે. હવામાન વિભાગે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. ત્યારે પ્રકૃતિના લક્ષણોને ધ્યાને લઈને જૂનવાણી પરંપરાથી અનુમાન લગાવતા આગાહીકારોએ કાઢેલા તારણ અનુસાર ગુજરાતમાં આ વર્ષે પ૮થી ૬૦ ઈંચ સરેરાશ વરસાદ થશે. તેમ પ્રસિધ્ધ થયું છે.

રાજયમાં ત્રણ તબક્કામાં વાવણી થશે અને સરેરાશ ૪૮થી પપ દિવસ વરસાદ પડશે, તેવી શકયતા વ્યકત કરતા વર્ષા વિજ્ઞાનના જાણકારો વધુમાં કહે છે કે, રર જૂનથી નિયમીત રીતે શરૂ થનાર ચોમાસુ ત્રીજા-ચોથા નોરતે વિદાય લેશે. સમયસર ચોમાસાનો પ્રારંભ અને વિદાયના લોજીકને વૈજ્ઞાનિક રીતે આગળ લઈ જતા આ આગાહીકારો ખેડૂતો માટે મહત્વની જાણકારી આપતા કહે છે કે, તેના કારણે ખેતીના વિવિધ પાકોમાં રોગ-જીવાત પણ ઓછા આવશે.

વર્ષા વિજ્ઞાન અંગે આગાહીકારો કહે છે કે, આ કોઈ ભવિષ્યવાણી કે જયોતિષ નથી, પરંતુ એક સીધુ-સાદુ વિજ્ઞાાન છે. જે વર્ષોના અનુભવ અને નિરીક્ષણ થકી જાણી શકાય છે. કોઈ બાબતની આગાહી થાય તો તેના સમર્થનમાં પુરાવા પણ જે તે આગાહીકાર પાસે હોય છે. આગાહીના સમર્થનમાં વર્ષા વિજ્ઞાાનના જાણકારોએ રજુ કરેલા નક્કર પુરાવારૂપી અવલોકનો કંઈક આ પ્રમાણે છે.

કારતક સુદ અગિયારસથી ફાગણ સુદ પુનમ સુધીમાં જે દિવસે આકાશમાં ગર્ભના વાદળો બંધાય તે દિવસથી ૧૯પ દિવસની ગણતરી કરવાની હોય છે. આ વર્ષે અધિક માસ હોવાથી એક માસ ઉમેરીને ગણતરી કરતા રરપ દિવસે ગર્ભ પાકે છે. પરંપરા અનુસાર ગર્ભ પાકવાના દિવસે વરસાદ થાય છે.

આકાશમાં બંધાતા વાદળોના લીસોટા, વધ-ઘટ વગેરે દ્વારા ગર્ભ જોવાય છે. આકાશી કસ સારો હોવાથી ચોમાસુ નબળુ જશે નહીં. કયા દિવસોમાં વરસાદ પડશે? તેની ગણતરી આકાશી ગર્ભ ઉપરથી થાય છે.

બોરડી, લીમડા, સરગવા, ખાખરા, આંબા દરેક વનસ્પતિમાં આ વર્ષે આવેલા ફૂલ સાચા અને હકારાત્મક હતાં. દરેક વનસ્પતિઓ ઉત્પાદક રહી છે. વાતાવરણની થોડી માઠી અસર બાદ ફળોનું બંધારણ સારૂ હતું. રોહીણી નક્ષત્રમાં થોડો વરસાદ થયા બાદ જૂનના બીજા પખવાડિયામાં ચોમાસાનો પ્રારંભ થશે. ઓગષ્ટમાં થોડો ઓછો વરસાદ રહેશે.

ચૈત્ર માસના દનૈયા આ વખતે ૩૮થી ૪ર ડિગ્રીએ તપેલા છે. તા.૭થી ૧૪ એપ્રિલ સુધીના આદ્રાથી હસ્ત નક્ષત્ર સુધીના આ દનૈયામાં તા.૮ ના રોજ આખો દિવસ ઠંડો દનૈયુ રહ્યુ હતું. માટે એકાદ નક્ષત્રમાં વરસાદ ન થાય તેવુ અનુમાન છે. તપેલા દનૈયાના કારણે કરાં સાથે વરસાદ પણ પડયો હતો. માટે આ વર્ષે દુષ્કાળની સંભાવના નથી.

વરસાદ નક્કી કરવા માટે આ સૌથી વધુ પ્રચલિત તહેવાર છે. જાણકારો તો ઠીક સામાન્ય લોકો પણ આ દિવસે વરસના વરતારા માટે પવનની દિશા જોતા હોય છે. હોળીના દિવસે સૂર્ય આથમી ગયા બાદ ૯૬ મિનીટ પવનની દિશા જોવાની હોય છે. આ વખતે ઈશાન દિશામાંથી પવન આવીને નૈઋત્ય તરફ જતો હતો. માટે પવનની આ દિશાને ધ્યાને લેતા ચોમાસુ સરેરાશ રહે તેવી શકયતા છે.

અખાત્રીજના દિવસે સવારના સમયે સૂર્યોદય બાદ ૯૬ મિનીટ સુધી પવનની દિશા જોવાની હોય છે. જેમાં કયારેક ઉતર અને કયારેક ઈશાન દિશાનો પવન હતો. વધારે વાયવ્યનો પવન જોવા મળ્યો હતો. ઉતરથી દક્ષિણ અને વાયવ્યમાંથી અગ્નિ દિશા તરફ ગયેલા પવનના કારણે સારો વરસાદ થવાની આગાહી છે.

સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં એક કહેવત છે કે, 'ડોશી મહિનામાં દુકાળ પડે...' પણ આ કહેવત આ વર્ષે એટલા માટે ખોટી પડશે કે ડોશી મહિનો એટલે કે અધિક માસ આ વખતે શ્રાવણ કે ભાદરવા મહિનામાં નથી ! છેલ્લા ૯૭ વર્ષમાં ૩૯ અધિક માસ આવ્યા છે. આ માસ હોય તેવા વર્ષના વરસાદી પત્રકોનો અભ્યાસ કરતા એવુ તારણ નિકળે છે કે, જેઠ કે વૈશાખ માસમાં અધિક માસ હોય ત્યારે વરસાદ સારો થાય છે. જો શ્રાવણ કે ભાદરવા માસમાં અધિક માસ હોય તો જ વરસાદ નબળો પડે છે.

બે ચંદ્રગ્રહણ, અતિવૃષ્ટિની શકયતા આ વર્ષમાં બે ચંદ્રગ્રહણ આવે છે. તેના આધારે વર્ષા વિજ્ઞાાન એવુ સુચવે છે કે, ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ અને આંધી કે તોફાન થવાની શકયતા છે. એક ચંદ્રગ્રહણ માર્ચમાં હતું. બીજુ જૂલાઈ માસમાં આવી રહ્યુ છે. એક જ વર્ષમાં બે ચંદ્રગ્રહણ કુદરતિ આપત્તીનો સંકેત આપે છે.

અત્યાર સુધીમાં પ્રકૃતિની મળેલી નિશાનીઓને જોતા વરસ સારૂ રહે તેવા સંકેત મળી રહ્યા છે. અધિક માસ હોવાછતાં ચોમાસુ જશે નહીં. કેટલાક આગાહીકારોના મતે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. જો કે તેની અસર કેવી અને કેટલી વર્તાશે ? તે જે તે સમયે જ તાગ કાઢી શકાય તેમ ડો.એ.એમ.પારખીયા - પ્રમુખ, વર્ષા વિજ્ઞાન મંડળ જણાવે છે.

 સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા રર જૂનથી નિયમીત ચોમાસુ બેસે તેવી શકયતા છે. વરસાદી પાણીના તળ ભરાશે અને શિયાળુ પાક લઈ શકાશે. લાંબા ગાળાના પાક મગફળી, કપાસ વગેરે ઓરવીને વાવેતર કરવાના બદલે નિયમીત વાવણી સમયે વાવેતર કરવાથી ખેડૂતોને ફાયદો થશે. જૂલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડશે, તેવુ અનુમાન છે.  તેમ મોહનભાઈ દલસાણીયા(જૂનાગઢ) જણાવે છે.

હોળીની ઝાળ અને અખાત્રીજના પવન ઉપરથી ચોમાસુ સરેરાશ રહેવાની સંભાવના છે. જમીનમાં રાફડા વગેરેનું નિરીક્ષણ કરતા વરસાદ સારો થશે તેવુ લાગી રહ્યુ છે. પવનની દિશા પણ હકારાત્મક રહી હતી. આકાશમાં કસ સારો હતો. તેમ રમણીકભાઈ વામજા (વંથલી) જણાવે છે.

(4:25 pm IST)