ગુજરાત
News of Friday, 1st June 2018

નડીયાદમાં રાજકોટની યુવતીને ત્રાસઃ જાપાનથી પતિએ ફોનમાં કહયું 'મે બીજા લગ્ન કર્યા છે, છુટાછેડા આપી દે'

સાત માસથી રાજકોટ માવતરે જેબાબેન સીદીકની ફરીયાદ પરથી સાસુ જુબેદાબેન અને નણંદ નસીમ સામે ફરીયાદ

રાજકોટ, તા., ૧: નડીયાદમાં સાસરીયુ ધરાવતી અને રાજકોટમાં રીસામણે આવેલી વ્હોરા પરીણીતાને જાપાનથી પતિએ ફોન કરી કહયું મેં બીજા લગ્ન કરી લીધા છે મને છુટાછેડા આપી દે તેમ કહી મારકુટ કરી અને સાસુ તથા નણંદ મેણાટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સદર બજાર પાસે કાશી વિશ્વનાથ પ્લોટ શેરી નં. ૧૧ માં છેલ્લા સાત માસથી રીસામણે આવેલી જેબાબેન જાવેદ સીદીક (ઉ.વ.ર૪) (વ્હોરા) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં નડીયાદમાં મહિડા ભાગોળ પાસે હાટલી કેપ્લીન બિલ્ડીંગમાં રહેતા સાસુ જુબેદાબેન શફીભાઇ સિદીક અને નણંદ નસીમ રફીકભાઇ વોરાના નામ આપ્યા છે. જેબાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના બે વર્ષ પહેલા નડીયાદ ખાતે રહેતો જાવેદ સીદીક સાથે લગ્ન થયા હતા. પતિ જાવેદ જાપાનમાં કાર લે-વેચનો વ્યવસાય કરે છે. લગ્ન બાદ પોતે તેની સાસુ જુબેદાબેન સાથે ત્રણ માસ જાપાન ગયા હતા. ત્યારે ત્યાં પતિ નાની-નાની બાબતે ઝઘડો કરતો હતો. ત્રણ માસ બાદ પોતે નડીયાદ આવ્યા ત્યારે સાસુ જુબેદા અને નણંદ નસીમ રફીકભાઇ વોરા ઘરમાં પુરીને બજારમાં જતા રહયા હતા. ઉપરાંત સાસુ જમવાનું પણ આપતા ન હતા અને રૂ. પ ની વેફર ખાવા માટે આપતા હતા. પોતાના પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોઇ તેથી ઘરકામ જેવી નાની-નાની બાબતમાં મેણા-ટોણા મારી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને પતિ જાવેદ ચાર માસ બાદ નડીયાદ આવ્યો ત્યારે સાસુ અને નણંદ ચઢામણી કરતા તે મારકુટ કરી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. પોતે છેલ્લા સાત માસથી માવતરે રીસામણે છે અને ઘરમાંથી કાઢી મુકયા બાદ પાંચ દિવસ પછી પતિ જાવેદનો જાપાનથી ફોન આવેલ કે 'મેં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે તો તુ મને છુટાછેડા આપી દે' તેમ કહયું હતું. આથી પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ ઝરીનાબેને તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)