ગુજરાત
News of Friday, 1st June 2018

અમદાવાદમાં મહિલાની બીમારી દૂર કરવાના બહાને ચેતન ભુવો અશ્લીલ હરકતો કરવા લાગ્યો : ફરિયાદ

કપડાં ઉતરાવી શરીર પર પાણી છાંટીને લીબું અને દોરો આપ્યો :દિયર અને દેરાણીની સંડોવણીનો આરોપ

અમદાવાદ : 21મી સદીમાં પણ લોકો બીમારી મટાડવા માટે ડોક્ટર પાસે ન જતાં ભૂવા-ભરાડી અને પાખંડીની જાળમાં ફસાતા રહે છે.ત્યારે અમદાવાદમાં એક ભૂવાએ મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મેઘાણીનગર પોલીસે ભૂવા સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સતત બીમાર રહેતી હોવાથી સારવાર માટે ભૂવા પાસે ગઈ હતી. આ સમગ્ર કાંડમાં મહિલાના સાસરિયા પક્ષના અમુક લોકો પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 અંગેની વિગત મુજબ મેઘાણીનગર વિસ્તારની એક મહિલા પોતે સતત બીમાર રહેતી હોવાથી ભૂવા પાસે ગઈ હતી. મહિલાએ પોતાની બીમારી દૂર કરવા માટે ભૂવાની મદદ માંગી હતી. ચંદનનગરમાં રહેતા ચેતન ભૂવાએ મહિલાએ તાવની બીમારી દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં મહિલાને 15 વર્ષ જૂનું કોઈ વળગણ હોવાથી તેને દૂર કરવા માટે પણ વિધિ કરવાનું કહ્યું હતું.

  ચેતન ભૂવાએ વિધિના બહાના મહિલાના કપડાં ઉતરાવી નાખ્યા હતા. બાદમાં શરીર પર પાણી છાંટી મહિલાને લીંબુ અને દોરો આપ્યો હતો. વિધિના બહાના ભૂવાએ મહિલા સાથે અનેક અશ્લીલ હરકતો કરી હતી. મહિલાએ કરેલી ફરિયાદ પ્રમાણે આ કૃત્યમાં તેનો દિયર, દેરાણી સહિતના લોકોની પણ મિલિભગત છે.મહિલાની ફરિયાદ બાદ મેઘાણીનગર પોલીસે ભૂવા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

(2:27 pm IST)