ગુજરાત
News of Saturday, 1st May 2021

વડોદરા સયાજી હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોની વિશ્રામ સુવિધા માટે વિશાળ ડોમનું નિર્માણ કરાયું

ઓલ વેધર ડોમમાં 400થી 500 જેટલાં સ્વજનો આરામથી બેસી શકશે અને વિશ્રામ કરી શકશે.

વડોદરા : છેલ્લા કેટલાક દિવસોથી સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેના પગલે કોવિડ હોસ્પિટલની બહાર ના ભાગે દાખલ દર્દીઓના સ્વજનોની ભીડ પણ વધી છે. હાલમાં સખત તડકો પડી રહ્યો છે અને વાતાવરણમાં બદલાવથી વરસાદ, ઝંઝાવાતનું વાતાવરણ પણ સર્જાય છે.

તેને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાથે પરામર્શ અને એમની સૂચના હેઠળ, તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરના નિરીક્ષણ હેઠળ કોવિડ બિલ્ડિંગની પાછળ એક વિશાળ, ઓલ વેધર ડોમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં 400થી 500 જેટલાં સ્વજનો આરામથી બેસી શકશે અને વિશ્રામ કરી શકશે.

આ અંગે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે ઓપીડીની સામે હાલમાં દર્દીઓના સ્વજનો માટે એક નાનો તંબુ હયાત છે, જે હવે દર્દીઓની સંખ્યા વધતા નાનો પડે છે. હાલમાં 24 કલાકમાં બે ડોમ બનાવી દેવામાં આવ્યા છે. તેને અનુલક્ષીને આ લોકોને સંક્રમણની શક્યતાથી મુક્ત રાખવા વરસાદ કે પવનોની ઝીંક ઝીલે તેવા ડોમનું નિર્માણ હાથ ધર્યું છે અને અહીં બેસવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.

વિવિધ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓના સ્વજનોને ભોજન, લીંબુ પાણી જેવી સુવિધા આપે છે, તેમની સાથે પણ ઉચિત સંકલન કરવામાં આવે છે. આમ, તંત્ર દ્વારા માનવતાના ધોરણે દાખલ દર્દીઓની સાથે તેમના સ્વજનોની સુવિધાની કાળજી લેવાનો માનવતા સભર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

(11:50 pm IST)