ગુજરાત
News of Saturday, 1st May 2021

વડોદરાના ભુતડીજાપા નજીક આવેલી મસ્જિદમાં ચારથી વધુ લોકોને ભેગા થવા નહીં દેનાર ઇમામને ગાળો ભાંડી લાફા મારનાર સામે ગુનો નોંધાયો

વડોદરાઃ ભુતડીજાપા નજીક આવેલી મસ્જિદમાં ચારથી વધુ લોકોને ભેગા નહીં થવા દેનાર ઈમામ ને ગાળો ભાંડી લાફા મારનાર સશસ્ત્ર હુમલાખોરો સહિત ચાર જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન મસ્જિદમાં ઇમામ તરીકે ફરજ બજાવતા હિદાયત ભાઈ સિંધી એ પોલીસને કહ્યું છે કે,તા.20મી એ સાંજે 7:30 વાગે મસ્જિદમાં સાતેક માણસો હાજર હોવાથી મેં કોઈપણ ચાર જણા હાજર રહે તેમ કહેતા બે છોકરા ઉશ્કેરાઇ ગયા હતા અને તું અમને બહાર કાઢવા વાળો કોણ, આ મસ્જીદ તારા બાપની છે? તું બહાર આવ તારા ટાંટીયા તોડી મારી નાખીશું... તેમ કહી ધમકી આપી હતી.

ત્યારબાદ હું બહાર આવી જતા પાછળથી ધમકી આપનાર બે છોકરાઓ તેમજ બીજા મોટી ઉંમરના બે સાગરિતો હાથમાં તલવાર ધારિયા અને પાઇપ લઈ આવ્યા હતા અને મને ગાળો ભાંડી હતી. આ પૈકીના એક જણાએ મને પેટ પકડી તમાચા માર્યા હતા અને મસ્જિદમાં ફરી આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સમાજના આગેવાનો વચ્ચે પડતાં બનાવ અંગે જે તે વખતે ફરિયાદ કરી ન હતી.

કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે કાચો માલ કબ્રસ્તાન પાસે મસ્જિદ વાળી ગલીમાં રહેતા સમીર પઠાણ, સાહેલ પઠાણ, રહેમત પઠાણ અને લતીફ પઠાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)