ગુજરાત
News of Saturday, 1st May 2021

વડોદરાના નાના કરાડાના ૯૩ વર્ષના નર્મદાબાઍ કોરોનાને હરાવ્યોઃ મોટા ફોફળીયા કોવિડ કેર સેન્ટરની સારવારથી ૩૨ દર્દીઓ સાજા થયા

વડોદરાઃ કોરોનાના બીજા મોજાની શહેરોની સાથે ગામડાઓમાં પણ વ્યાપક અસર થતાં ગામડાઓમાં સંક્રમણ વઘ્યું છે.વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ૧૦૦ પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ શિનોર તાલુકાના નાના કરાડા ગામના ૯૩ વર્ષના નર્મદાબેન પટેલે દ્રઢ મનોબળ અને ભરપૂર આત્મવિશ્વાસથી માત્ર છ દિવસમાં કોરોનાને હરાવી કોરોના સામેનું યુદ્ધ જીત્યા છે.

જલ્પા બેન કહે છે કે કોરોનાથી ડરવાની કે ભય રાખવાની જરૂર નથી.દર્દીને સમયસર સારવાર મળે તો ચોક્કસ આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે એનું ઉદાહરણ અમારા ૯૩ વર્ષના દાદીમા છે.

શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોરના સહયોગથી ટ્રસ્ટના હોસ્ટેલ બિલ્ડિંગમાં ૧૦૦ બેડનું કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેની ક્ષમતા ૨૦૦ બેડ સુધી વધારી શકાય તેમ છે.શિનોર તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહી દાખલ કરી સારવાર આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને દવા,રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સેન્ટરમાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે તબીબો, પેરમેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે આ કેર સેન્ટરમાં શરૂઆતમાં ૧૦૫ દર્દીઓ દાખલ થયા હતા.જે પૈકી ૩૨ દર્દીઓ સાજા થતા ઘરે પરત ફર્યા છે.૧૧ દર્દીઓને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે.હાલમાં ૬૨ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.

વડોદરા જિલ્લામાં કરજણ, પાદરા, સાવલી, ડભોઈમાં કોવીડ સારવાર કેન્દ્રોમાં કોરોના દર્દીઓને અસરકારક આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

(5:36 pm IST)