ગુજરાત
News of Saturday, 1st May 2021

વલસાડ જીલ્લાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કોરોના રસીકરણથી બાકાતઃ ૮ કર્મચારીનો ભોગ લેવાયોઃ જીવન-મરણ વચ્ચે જાલા ખાતા ૩૦ કર્મચારીઓ

વલસાડ: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રસી મૂકાવવામાં આવી હતી. ફક્ત વલસાડની હેડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને જ કોરોના રસી મૂકાવવામાં નથી આવી. કોરોનાકાળમાં પોસ્ટ ઓફિસમાં પેન્શનર ખાતેદારોને ઘરે બેઠા પેન્શનના રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. પોસ્ટ કર્મીઓ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી છે. છતાં વલસાડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રસીકરણથી બાકાત રાખવામાં આવ્યા હતા. વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે. વલસાડ હેડ પોસ્ટ ઓફિસના 8 જેટલા સંક્રમિત પોસ્ટ કર્મીઓના મૃત્યુ થયા હતા. ત્યારે હવે વહીવટી તંત્રની બેદરકારીને લઈને મૃત્યુ થયું હોવાના આક્ષેપ હાલના કર્મચારીઓ લગાવી રહ્યા છે. વલસાડ હેડપોસ્ટ ઓફિસનો એકપણ કાર્મીનું કોરોનામાં મૃત્યુ થશે તો આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

રજુઆત કરવા છતાં આરોગ્ય વિભાગ જાગ્યું નહિ

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ ઉમદા કામગીરી કરી હતી. વલસાડ પોસ્ટ ડિવિઝનમાં 800થી વધુ કર્મચારીઓ કામગીરીઓ કરી રહ્યા છે. રાજ્યની તમામ પોસ્ટ ઓફિસમાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ સાથે મળીને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોસ્ટ વિભાગના કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે માત્ર વલસાડ જિલ્લાના પોસ્ટના કર્મચારીઓ કોરોના રસીકરણ ઝુંબેશથી બાકાત રખાયા હતા. જેને લઈને વલસાડ હેડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને 5 એપ્રિલે પોસ્ટ ઓફિસના કર્મીઓને રસીકરણ માટે રજુઆત કરવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર નિંદ્રામાંથી બહાર આવતું ન હોવાનો આક્ષેપ કરાયો છે.

8 કર્મચારીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો

જેને લઈને વલસાડ પોસ્ટ ડિવિઝનમાં ફરજ બજાવતા 800થી વધુ કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. વલસાડ ડિવિઝનમાં 8 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યો છે. 30 જેટલા કર્મચારીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વલસાડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં નોકરી ઉપર આવવામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પોસ્ટ ઓફિસના કર્મચારી મંડળના ઉપ પ્રમુખે વલસાડ પોસ્ટ ઓફિસમાં મૃત્યુ પામતા તમામ કોરોના વોરિયર્સના મૃત્યુ પાછળ વહીવટી તંત્રને જવાબદાર ગણાવ્યા છે. હાલે 30 કર્મચારીઓ સારવાર મેળવી રહ્યા છે. તેમાંથી એકપણ કર્મચારીનું કોરોનામાં મૃત્યુ થશે તો વહીવટી તંત્ર સામે એટેમ્પ્ટ ટુ મર્ડરની પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવશે તેવી ચીમકી રિયાઝ અજમેરીએ ઉચ્ચારી હતી.

(5:20 pm IST)