ગુજરાત
News of Saturday, 1st May 2021

બેડ, ઇન્જેકશન, ઓકિસજન બાબતની સાચી વ્યથા સોશ્યલ મીડિયા પર રજૂ કરનાર વિરૂધ્ધ ગુન્હા દાખલ કરવા સામે લાલબત્તી

સુપ્રિમ અદાલતની અવગણના ગણાશે, તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને એસીપીઓને લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર દ્વારા તાકીદની એડવાઇઝરી જાહેર : કોવીડ સંક્રમણ સંદર્ભની સુનાવણી દરમિયાન ૩૦ એપ્રિલના સુપ્રીમ અદાલત દ્વારા કેન્દ્ર સહિત તમામ રાજયોના મુખ્ય અધિકારીઓને આપેલ આદેશ મુજબ અમલ,ખોટી માહિતી દ્વારા લોકોને ભયભીત કરનાર સામે કાર્યવાહી યથાવત્

રાજકોટ તા.૧ : સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા વિવિધ લોકો દ્વારા કોવીદ દર્દીઓને સમયસર બેડ ન મળવા બાબત,કે પછી ઈન્જેકશન કે ઓકિસજન ન મળવા બાબતના પોતાના સાચા અનુભવ શેર કરે તે બાબતે કોઈ ગુન્હો બનતો ન હોવાનું સુપ્રીમ અદાલત દ્વારા અવલોકન કર્યાને પગલે આવી સાચી બાબતે પોલીસ દ્વારા ગુન્હો ન દાખલ કરવા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલિસ વડાઓને સૂચના આપવામાં આવી છે.                                      

રાજયના લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા સક્ષમ ઓથોરીટીના આદેશ સંદર્ભે અપાયેલ   સૂચના મુજબ ઉકત એડવાઇઝરીમા સુપ્રીમ કોર્ટ દ્વારા પાસ થયેલ રેમાર્ક બાદ પણ પોલીસ દ્વારા આવા પ્રકારે ગુન્હા દાખલ કરવામાં આવશે તો તે કંટેમ ઓફ સુપ્રીમ કોર્ટ ગણાશે તેવી પણ ખાસ તાકીદ ઉકત આદેશ અર્થાત્ એડવાયઝરિમાં કરવામાં આવી છે.                                    

અત્રે યાદ રહે કે સુપ્રીમ અદાલત દ્વારા તા. ૩૦/૪/૨૧ના કોવિદ્ સંકમણ સંદર્ભેની સુનાવણી દરમિયાન નાગરિકો દ્વારા બેડ,ઓકિસજન કે ઈન્જેકશન બાબતે પોતાને ખરેખર પડેલી મુશ્કેલી બાબતે સોશ્યલ મીડિયા પર રજૂ કરેલ વ્યથાને અફવા ગણી ગુન્હો દાખલ ન કરવા સુપ્રીમ અદાલત દ્વારા  દેશના તમામ રાજયના મુખ્ય પોલીસ વડા તથા અન્ય જવાબદાર અફસરોને સુચવ્યાનાં પગલે કાયદાનો ચુસ્તપણે પાલન કરવાના હિમાયતી રાજયના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચનાથી લો એન્ડ ઓર્ડર વિભાગના વડા દ્વારા જાહેર થયેલ એડવાયઝરીની જાણ તમામ સીપી,એસપી, અને રેન્જ વડાઓને કરવામાં આવી છે.                         

 ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં કેટલાક અનુભવી આઇપીએસ અધિકારીઓ દ્વારા જણાવેલ કે સોશ્યલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ખોટી રીતે લોકો ભયભિત થાય તેવા ઉપજાવી કાઢેલ મેસેજ અંગે પોલીસ કાર્યવાહી કરવામાં નહિ આવે તેવો અર્થ નથી થતો તે બાબત પણ ધ્યાને લેવા જણાવ્યું છે.

(2:50 pm IST)