ગુજરાત
News of Saturday, 1st May 2021

એપ્રિલ મહિનો ગુજરાત માટે સૌથી ખરાબ રહ્યો : ૨૦૦૦ લોકોના મોત થયા : નોંધાયા ૨.૬ લાખ કેસ

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મોટા શહેરોના મળીને એપ્રિલમાં ૧.૫૯ લાખ એકિટવ કેસ છે : જે કુલ કેસના ૬૧% છે : ચાર મોટા શહેરોમાંથી ૧,૪૪૮ મૃત્યુ નોંધાયા છે, જે કુલ મોતના ૫૬% છે : છેલ્લા ૩૦ દિવસમાં રાજયમાં દૈનિક ૮,૬૬૭ કેસની સરેરાશથી ૨.૬૦ લાખ કેસ નોંધાયા : ૨૦૨૦માં ગુજરાતમાં દૈનિક ૮૪૮ની સરેરાશથી ૨.૪૫ લાખ કેસ નોંધાયા હતા : ૩૧ માર્ચ સુધી મૃત્યુદર ૧.૪૭ ટકા હતો જે એપ્રિલમાં ૧ ટકા થયો છે

નવી દિલ્હી તા. ૧ : કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી સૌથી ખરાબ સમય એપ્રિલ ૨૦૨૧નો સાબિત થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કોરોનાના ૨.૬ લાખ કેસ અને ૨,૬૦૦ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારીના અત્યાર સુધીના ગુજરાતના નવા કેસમાંથી ૪૬ ટકા એપ્રિલ ૨૦૨૧માં નોંધાયા અને ૩૭ ટકા મૃત્યુ પણ આ જ મહિનામાં થયા છે.

આંકડાની થોડી વિસ્તારથી વાત કરીએ તો, માર્ચ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ગુજરાતમાં ૫.૬૭ લાખ કેસ અને ૭,૧૮૩ મૃત્યુ નોંધાયા છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ગુજરાતમાં ૬૨,૬૪૪ કેસ અને ૨૧૩ મોત નોંધાયા, જે માત્ર એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ અને મૃત્યુના અનુક્રમે ૨૪% અને ૮% છે. હકીકતે, ૨૦૨૦ના આખા વર્ષ દરમિયાન એટલે કે માર્ચથી ડિસેમ્બર સુધીમાં ૨.૪૫ લાખ કેસ નોંધાયા અને ૪,૩૦૬ લોકોના મોત થયા.

'માર્ચ મહિનાના મધ્યથી ગુજરાતમાં કોરોનાના કેસની ઝડપથી વધવા લાગી હતી. ૧૭ માર્ચે કોરોનાના કેસ ચાર આંકડામાં નોંધાયા હતા. ૧૭મી તારીખે રાજયમાં ૧,૧૨૨ કેસ નોંધાયા હતા. એપ્રિલ એકલામાં જ રાજયમાં ૨૬ વખત આંકડા નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, આ પ્રકારનો વધારો અગાઉ જોવા નહોતો મળ્યો. ૧૮મી એપ્રિલે ગુજરાતમાં પહેલીવાર ૧૦,૦૦૦થી વધુ કેસ દૈનિક કેસ નોંધાયા અને આજદિન સુધી આ રીતે કેસ નોંધાઈ રહ્યા છે,' તેમ શહેરના એક એપિડેમિયોલોજિસ્ટે જણાવ્યું છે.

૨૦૨૦ અને ૨૦૨૧માં આવેલા ઉછાળામાં સૌથી મોટો તફાવત છે કેસની સંખ્યામાં થયેલી વૃદ્ઘિ. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં ૧.૪૨ લાખ એકિટવ કેસ છે, જયારે ૨૦૨૦માં એકિટવ કેસનો આંકડો ૧૮,૦૦૦ને પાર નહોતો ગયો. ઉપરાંત ૨૦૨૦થી વિપરીત આ વખતે દરેક જિલ્લામાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. જયારે ૨૦૨૦માં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં તબક્કાવાર ઉછાળો જોવા મળ્યો હતો જેથી સત્ત્।ાધિશોને તૈયારી અને સારવારના સાધનોની હેરફેર માટે સમય મળ્યો હતો.

શહેરના એક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટે કહ્યું, 'આજની તારીખમાં રાજયમાં ૮૦,૦૦૦થી વધુ કોવિડ બેડ છે અને ઓકિસજનની રોજિંદી જરૂરિયાત અથવા વપરાશ ૧,૦૦૦ મેટ્રિક ટન છે. કુલ આંકડામાં શહેરોનો ફાળો મોટો છે પરંતુ હવે તો નાના કેંદ્રોમાં પણ ૩૫૦-૫૦૦થી વધુ એકિટવ કેસ જોવા મળે છે. જેના કારણે સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પર અસર પડી રહી છે.' રાજયના આરોગ્ય વિભાગના અધિકારીઓ હજી પણ કેસમાં થયેલી વૃદ્ઘિ માટે કોવિડ વેરિયન્ટ જવાબદાર હોવાનું માનવામાં આનકાની કરી રહ્યા છે. ત્યારે નિષ્ણાતોએ કહી દીધું છે કે, વાયરસના ફેલાવાના અને ગંભીરતાની બદલાયેલી પેટર્ન માટે વાયરલ મ્યૂટેશન જવાબદાર છે.

(11:51 am IST)