ગુજરાત
News of Saturday, 1st May 2021

સુરતની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ભારે ભાગદોડ

યુવક તરફડિયા મારતો હોય તેવો વિડિયો સામે આવ્યો : રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો

સુરત,તા.૩૦ : સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝી ગયેલો યુવાન દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયા મારતો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં આગની એક ગંભીર ઘટના સામે આવી છે.

અડાજણ વિસ્તારમાં આવેલા ધોબીના ખાંચામાં આવેલી મીત આર્ટ નામની દુકાનમાં એકાએક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રેડિયમ કટિંગનું કામ કરનાર વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. બ્લાસ્ટનો ધડાકાભેર અવાજ આવતાની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. દુકાનમાં ઈજાગ્રસ્ત યુવક કોણ છે તે અંગે કોઈ વધુ માહિતી મળી નથી.

પરંતુ ધડાકાભેર બ્લાસ્ટ થતાની સાથે જ દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યો હતો. આ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝી ગયેલો યુવક દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયા મારતો હોય તેવો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાંથી અનેક કિસ્સાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતો હોય છે. આ જ કારણે ઘણી વખતે લોકોનો જીવ પણ જતો રહેતો હોય છે.

(9:20 pm IST)