ગુજરાત
News of Wednesday, 1st April 2020

ગોમતીપુર કસાઈની ચાલી પાસે ટોળાનો પથ્થરમારો

ડીસીપી સહિતનો પોલીસ કાફળો ઘટનાસ્થળે : એક પોલીસ કર્મીને ઇજા, બેની અટકાયત : લોકોને ઘરમાં જવાની પોલીસે સૂચના આપતાં તોફાનીઓનો પથ્થરમારો

અમદાવાદ,તા.૧  : અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કસાઈની ચાલી પાસે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. ગોમતીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાલી પાસે કેટલાક લોકો બહાર હતા જેને પોલીસે ઘરમાં અંદર જતા રહેવા સૂચના આપી હતી. પરંતુ કેટલાક લોકો બહાર જ ઊભા રહેતા પોલીસે તેઓને પકડીને લઈ જતી હતી. ત્યારે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીને સામાન્ય ઇજા થઇ હતી. ઘટનાના પગલે મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બે લોકોની અટકાયત કરી લીધી છે. જો કે, આ ઘટનાને લઇ લોકોમાં ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા.

                લોકડાઉનના સમયમાં જયારે પોલીસ નાગરિકોને કોરોનના વાયરસથી બચાવવા અને લોકડાઉનની અમલવારીમાં ખડેપગે સેવા કરી રહી છે ત્યારે તેમની સૂચના કે નિર્દેશોનો અમલ કરવાને બદલે તેમની પર પથ્થરમારો કરવો બહુ મોટી અને ગંભીર નિંદનીય ઘટના તરીકે લેખાઇ હતી. ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર સ્થાનિકો દ્વારા પથ્થરમારાની ઘટનાને લઇ ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પોલીસ પર પથ્થરમારાની ઘટનાને લઇ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પરંતુ પોલીસે સમયસર પરિસ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. બીજીબાજુ, દિલ્હીમાં તબલીક એ જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના ૨૯ લોકો ગયા હતા. એ તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. મોડી રાતે દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્યાન ૨૯ જેટલા લોકો મળી આવતા તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.

(8:51 pm IST)