ગુજરાત
News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસના ચેપથી બચવા રેલ્વે કર્મચારીઓએ હાથ ધોવાનું અનોખુ મશીન બનાવ્યુઃ હાથ ધોવા સ્‍પર્શ કરવાની જરૂર પડતી નથી

અમદાવાદ: હાલ દરેક કોઈ કોરોના વાયરસથી બચવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. માસ્ક પહેરવાથી લઈને, સેનેટાઈઝરથી હાથ ધોવા સુધીની તમામ બાબતોમાં ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવામા આવે છે. કોરોના એવો વાયરસ છે, જે દર્દીના સંપર્કમાં આવવાથી તથા તેણે વાપરેલી વસ્તુને સ્પર્શ થઈ જવાથી પણ ફેલાય છે. આવામાં અમદાવાદના રેલવે કર્મચારીઓએ ચેપ ન ફેલાય તે માટે જબરો તોડ શોધી લીધો છે. કોરોના વાયરસના ચેપથી બચવા માટે રેલવે કર્મચારીઓએ હાથ ધોવાનું અનોખુ મશીન બનાવ્યું છે, જ્યા હાથ ધોવા માટે સ્પર્શ કરવાની જરૂર પડતી નથી.

રેલવે કર્મચારીઓની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અનોખી પહેલ સામે આવે છે. કોરોના વાઇરસના ચેપથી બચવા માટે કર્મચારીઓએ હાથ ધોવા વન ટચ વોશ બેસીન બનાવ્યું છે. જેમાં પગ દ્વારા મશીન નીચે કલીપ દબાવો તો લિક્વીડ સાબુ હાથમાં આવશે. બીજી કલીપ પગથી દબાવશો, તો નળમાથી પાણી આવશે. આમ હાથ ધોવા માટે આ મશીનને હાથ લગાવવાની જરાય જરૂર નહિ પડે.

અમદાવાદના સાબરમતી, કાંકરિયા, ગાંધીધામ કોચિંગ ડેપોના રેલવે કર્મચારીઓએ મળીને આ મશીન બનાવ્યું છે. વર્કશોપમાં કર્મચારીઓ માટે આ મશીન મૂકાયું છે. કોરોનાથી મુક્ત રહેવા માટે રેલવે કર્મચારીઓ માટે આ મશીન બહુ કામનુ સાબિત થશે. વેસ્ટર્ન યુનિયનના કર્મચારીઓએ હાલ નવરાશની પળોમાં આ મશીન બનાવીને જાગૃતિ દાખવી છે. ત્યારે અમદાવાદ મંડળના રેલવે પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, અમે કર્મચારીઓના આ પ્રયાસને બિરદાવીએ છીએ, તથા આ મશીનના પ્રોજેક્ટને રેલ ભવન નવી દિલ્હી મોકલ્યું છે. 

(4:36 pm IST)