ગુજરાત
News of Friday, 1st January 2021

અમદાવાદના મેઘાણીનગરમાં 1.77 કરોડની લૂંટ : રાજકોટથી સોનાના દાગીનાનું પાર્સલ કાર્ગો પર મુકવા જતા કર્મચારીને ઢોર માર મારીને લૂંટ

રાત્રે અઢી વાગ્યે જાય અંબે કુરિયરના કર્મચારીને માર મારીને થેલામાં રહેલા 34 લાખના દાગીના સહિત કુલ 1.77 કરોડના મુદ્દામાલની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર

અમદાવાદ : અમદાવાદમાંથી 1.77 કરોડની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટને અંજામ આપીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અંગે ફરિયાદી વિદ્યાધર શર્માએ દાખલ કરાવેલી પોલીસ ફરિયાદ મૂજબ, તેઓ જય અંબે કુરિયર સર્વિસમાં નોકરી કરે છે. ગત 30મીં ડિસેમ્બરે રાજકોટથી એક સોનાના દાગીનાથી ભરેલું પાર્સલ આવ્યું હતું. જેને દિલ્હી મોકલવા માટે તેઓ રાત્રે અઢી વાગ્યાની આસપાસ એર કાર્ગો તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર હુમલો કરીને થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ થેલામાં રહેલા 34 લાખના દાગીના સહિત કુલ 1.77 કરોડના મુદ્દામાલની લૂંટ થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની પૂર્વ સંધ્યા પણ અમદાવાદ પોલીસ માટે તનાવપૂર્ણ રહી હતી. એક તરફ શહેરના વસ્ત્રાલમાં ફાયરિંગ કરીને એક હત્યાની ઘટના બની હતી, તો બીજી તરફ આંબાવાડીના ભૂદરપુરામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

(12:58 pm IST)