ગુજરાત
News of Friday, 1st January 2021

ડિસેમ્બરમાં કોરોનાના ૫૨ ટકા નવા કેસો માત્ર ચાર શહેરોમાં નોંધાયા

છેલ્લા દિવસે ગુજરાતમાં નોંધાયેલા કુલ ૭૮૦ કોરોનાના નવા કેસોમાંથી ૫૭ ટકા કેસ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સામે આવ્યાઃ જયારે પોઝિટિવ ૪ દર્દીઓનો ૧૦૦ ટકા મૃત્યુદર પણ આ જ શહેરોમાં નોંધાયો

અમદાવાદ, તા.૧: 'મહામારીના વર્ષના' છેલ્લા દિવસે ગુજરાતમાં નોંધાયેલા કુલ ૭૮૦ કોરોનાના નવા કેસોમાંથી ૫૭ ટકા કેસ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સામે આવ્યા, જયારે પોઝિટિવ ૪ દર્દીઓનો ૧૦૦ ટકા મૃત્યુદર પણ આ જ શહેરોમાં નોંધાયો. આંકડા દર્શાવે છે કે ચારેય મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરાયું હોવા છતાં ડિસેમ્બર મહિનામાં આ જ શહેરોમાંથી રોજના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે.

નવેમ્બર મહિનામાં ૪૮.૪ ટકા પોઝિટિવ કેસો અને ૮૨.૬ ટકા કોરોના મૃતકો આ જ ચાર શહેરોમાં સામે આવ્યા હતા. આ આંકડો ડિસેમ્બર મહિનામાં વધ્યો અને કુલ કેસના ૫૨ ટકા એટલે કે ૧૮,૨૬૫ કેસ અને ૮૫ ટકા અથવા ૨૭૦ મોત આ ચાર શહેરોમાં નોંધાયા હતા.

શહેરના રોગચાળા નિષ્ણાંત કહે છે, નાઈટ કર્ફ્યૂ, નિયમનું ઉલ્લંઘન કરનારા પર કાર્યવાહી અને કોન્ટેકટ ટ્રેસિંગનું ઝડપી કાર્ય કામ કરી રહ્યું છે. આપણે દિવાળી બાદ કેસોમાં મોટો ઘટાડો જોયો પરંતુ આ કાયમી નિરાકરણ નથી. નવા વર્ષમાં પણ કોરોનાની વેકસીન ઉપલબ્ધ થાય ત્યારે પણ શહેરીજનોએ કોરોના સામે સ્વબચાવની જવાબદારી છોડવી જોઈએ નહીં.

રાજયના કેટલાક જિલ્લાઓમાં કર્ફ્યૂ લાગુ ન હોવા છતાં પણ કોરોનાના નવા કેસો હવે એક આંકડામાં સામે આવી રહ્યા છે. રાજયના સ્વાસ્થ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે રાજયમાં ૭૧ ટકા એકિટવ કેસો માત્ર ચાર મુખ્ય શહેરોમાં છે. ઉપરાંત રાજયમાં દરેક ૧૦માંથી ૩ પોઝિટિવ કેસો માત્ર અમદાવાદ શહેરમાં છે.

(11:24 am IST)