ગુજરાત
News of Wednesday, 1st January 2020

મુકત કરાવાયેલા બાળકો બિહારના વતની નિકળ્યા

નારોલના કારખાનામાંથી બાળકોને બચાવાયા : કારખાના માલિકની અટકાયત : કારખાનામાં કામ કરતા વાલી કે તેમના સંબંધીઓએ બાળકને કામે લગાડ્યા હતા

અમદાવાદ,તા. ૧ :     નારોલ વિસ્તારમાં જે.કે એસ્ટેટ નામના ગોડાઉનમાં જ્યોતિ જોબવર્ક નામના સિલાઈ કામના કારખાનામાં મૂળ બિહારના નવ બાળકોને બાળમજૂરીમાંથી મુકત કરાવાયા હતા. નારોલ પોલીસે કારખાનાના માલિક વિરૂધ્ધ બાળમજૂરી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ કેસમાં નારોલ પોલીસે ૧૦ બાળકો હતા તેની જગ્યાએ ૯ બાળકો જ બતાવ્યા છે. ફરિયાદમાં બાળકોને ૧૦-૧૦ હજાર ચુકવવામાં આવતા હોવાનો પોલીસે ઉલ્લેખ કર્યો હતો. જો કે, પોલીસની તપાસમાં કેટલાક બાળકોને પૈસા જ ન ચુકવાતા હોવાની વાત પણ સામે આવી હતી. ગત અઠવાડીયે સુરતના પુણા વિસ્તારમાંથી રાજસ્થાન અને બિહારના ૧૩૪ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યાં અમદાવાદમાં પણ બિહારના બાળકોને લાવી કારખાનાઓમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

            ઓઢવ વિસ્તારમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સીલ સંસ્થાના આગેવાન સુરેશગીરી ગોસ્વામીને નારોલના જે.કે એસ્ટેટમાં આવેલા કારખાનામાં બાળ મજૂરો કામ કરતા હોવાની વિગતો મળી હતી. જેના પગલે તેમણે પોતાની સંસ્થાના કાર્યકરો સાથે તપાસ કરતા ગોડાઉન નં. ૩૪માં આવેલા જયોતિ જોબવર્ક નામના કારખાનામાં કેટલાક બાળકો મજુરી કામ કરતા મળી આવ્યા હતા. જેથી તેઓએ આ મામલે નારોલ પોલીસને જાણ કરતા પોલીસ કારખાનામાં પહોંચી હતી. આ કારખાનામાંથી મૂળ બિહારના અને અમદાવાદમાં વટવા અને નારોલમાં રહેતા ૧૪થી ૧૬ વર્ષના ૯ બાળકો મળી આવ્યાં હતાં.

           ન્યુ મણિનગરમાં જૈનમસિટીમાં રહેતો મોહન ગવંડર નામનો યુવક પોતાના કારખાનામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળ મજૂરી કરાવતો હતો. નારોલ પોલીસ સ્ટેશનનાં પીઆઇ એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે, બાળકોના વાલી વારસ જેઓ તેમના ભાઈ કે મામા-કાકા છે તેઓ ત્યાં નોકરી કરતા હતા અને તેઓએ જ કામે લગાડ્યા હતા. તેમના વાલીવારસની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો ફરીથી તેમની પાસે કામ કરાવશે તો પણ કાર્યવાહી કરીશું. આરોપી મોહન જે રીતે કામ કરતા તે મુજબ મજૂરી પેટે રૂપિયા ચુક્વતો હતો. પોલીસે કારખાના માલિકની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:33 pm IST)