Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી: લંડનથી આવેલો યુવકનો ૮ દિવસે રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ઓમિક્રોન પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી

 

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ ડીસામાં નોંધાયો છે. ડીસાની પિંક સીટીમાં રહેતા અને લંડનથી ગત સપ્તાહમાં આવેલા હર્ષ પરમાનંદ શર્મા ઉવ.ર૯ અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલ અને તેનો આર.ટી.પી.સી.આર કરવામાં આવેલ તે પોઝિટિવ આવતા તેના પૃથ્થકરણ માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવેલ.જે ઓમિક્રોન પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના હાલમાં ચાર કેસ એક્ટિવ છે. દરમિયાન લંડનથી ડીસા આવેલા ર૯ વર્ષીય યુવકની અમદાવાદ એરપોર્ટ ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જયાં તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેને એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલમાં લાવવામાં આવેલ અને તેની સારવાર હાથ ધરવામાં આવી હતી અને તેના લક્ષણો અંગે શંકા જતા ઓમિક્રોન હોવાની આશંકા સેવાઈ રહી હતી. આથી તેનો રીપોર્ટ કરવા માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવેલ હતું.

જે આઠ દિવસ બાદ આજે રીપોર્ટ આવ્યો તેમાં ઓમિક્રોન વાયરસ હોવાનુ સ્પષ્ટ થતા આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા સંક્રમિત યુવકની સારવાર માટે પગલાં લેવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના રીપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે જિલ્લામાં ૧૪૮૬ આરપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ૯૩ર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ હતા. તેમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

(12:44 am IST)