Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે એક સાથે 6 મકાનો સહીત એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ તસ્કરી કરતા પોલીસ તંત્ર સજાગ

મોડાસા:તાલુકાના ટીંટોઈ ગામે સતત બીજા દિવસે તસ્કરોએ ગામના ૬ મકાનો,એક મોલ અને એક કરીયાણાની દુકાન સહિત ૮ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાશ કરતાં ગ્રામજનો ફફડી ઉઠયા હતા.અને ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવા,તસ્કરોને ઝડપી લેવા અને ગ્રામજનો અને તેમની મિલકતોને રક્ષણ પુરૂ પાડવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર અપાયું હતું.

એક તરફ રાજય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ ઉજવણી હાથ ધરાઈ રહી છે. જિલ્લામાં રોજ એક મંત્રી કે અગ્રણી,પદાધિકારીની હાજરીમાં ઉજવણી કરાતી હોય પોલીસની ગાડીઓની સાઈરનોથી પંથક ધમધમી ઉઠયો છે, ત્યારે બીજી તરફ તકનો ગેરલાભ ઉઠાવી તસ્કરો જિલ્લામાં તરખાટ મચાવી રહયા છે. છેલ્લા એક અઠવાડીયામાં મોકળું મેદાન ભાળી ગયેલા તસ્કરોએ મંદિરો,દરગાહો,મકાનો,દુકાનો સહિતના ૧૮ જેટલા સ્થળોએ તાળા તોડી અંદાજે રૂ.૩ લાખથી વધુની મત્તા ચોરી હાહાકાર મચાવ્યો છે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે તસ્કરો દ્વારા ગત મંગળવારની રાત્રે બે દુકાનો,એક મદિર,એક દરગાહ અને એક મકાનના તાળા તોડી આશરે રૂ.૩૭ હજારની મત્તા ચોરી હોવાની ચકચારી ઘટનાના સતત બીજા દિવસે તસ્કર ટોળકી ફરી ગામમાં ત્રાટકી હતી.અને બુધવારની રાત્રે  ૧ મોલ,૧ કરીયાણાની દુકાન અને ૬ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાશ કર્યો હતો.આમ ટીંટોઈમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેકાઈ રહયો હોય એમ તસ્કરો બેફામ બન્યા છે,અને રાત્રે ત્રાટકી તાળા- નકુચા તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહયા હોય ગ્રામજનો,વેપારીઓ ફફડી ઉઠયા છે. ગામના વેપારી યુનુસભાઈ મોડાસીયા અને અગ્રણી નારાયણભાઈ રાઠોડના જણાવ્યા મુજબ ગામના કેટલાક સ્થળોએ લગાડેલ સીસીટીવી કેમેરામાં ૪ અજાણ્યા ચોર ઈસમો હાથમાં લાકડીઓ અને મોંઢા ઉપર બુકાની સાથે કેદ થયા છે. ત્યારે ગ્રામજનોને સત્વરે સલામતી પૂરી પડાય તે જરૂરી બન્યું છે.

(6:07 pm IST)