Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વલસાડ જીલ્લામાં દારૂ પીધેલા 835 શખ્‍સો ઝડપાયાઃ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસને બસ ભાડે કરવી પડી

ન્‍યુયર પહેલા દારૂની મહેફીલ માણતા શખ્‍સો સામે કાર્યવાહી

વલસાડ: નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પિયક્કડો પકડાયા છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 પિયક્કડો સામે પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યાં છે. જોકે, આટલી મોટી માત્રામાં પિયકક્ડોને લઈ જવા માટે વલસાડ પોલીસને બસની વ્યવસ્થા કરવી પડી હતી.

24 ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત

સુરત એડિશનલ DGની સૂચના અને માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુઈયર પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા પિયક્કડોને ઝડપી પાડવા આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર 24 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના 13 પોલીસ મથકોમાં વાહન ચેકીંગ દરમ્યાન 835 લોકોને દારૂના નશામાં વલસાડ જિલ્લામાં પ્રવેશતાં ઝડપી પાડ્યા હતા.

પિયક્કડોને લઈ જવા બસ ભાડે લેવાઈ

વલસાડ જિલ્લા પોલીસે પીદ્ધડોને ઝડપી કાયદાના પાઠ ભણાવવા માટે જિલ્લાના દરેક પોલીસ મથક મુજબ એક વાડી તૈયાર કરવામાં આવી છે. ચેક પોસ્ટ ઉપરથી પિયક્કડોને વાડી સુધી લઈ જવા ખાનગી ટ્રાવેલ્સની બસ દરેક પોલીસ મથક મુજબ અને જરૂરિયાત મુજવ હાયર કરવામાં આવી છે. પિયક્કડોને કોર્ટમાં રજૂ કરવા માટે બસનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસ મથકે ભાડે લીધેલા હોલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ અને આરોગ્ય ટેસ્ટ સ્થળ ઉપર જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા દારૂના કેસ

    વલસાડ શહેર -55 કેસ

    પારડી - 110

    ડુંગરા - 50

    ઉમરગામ - 59

    વાપી જીઆઈડીસી - 75

    રૂરલ - 50

    ડુંગરી - 33

    ધરમપુર -26

    કપરાડા -49

    મરીન - 32

    વાપી ટાઉન - 158

    નાનાપોઢા - 40

    ભિલાડ - 98

(5:07 pm IST)