Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પેપર ફુટવાની હારમાળા અસહ્ય, હેડ કલાર્કની તારીખ તુરત જાહેર કરોઃ કનુભાઇ વાઘેલા

(અશ્વીન વ્યાસ) ગાંધનીગર, તા., ૩૧: રાજયમાં છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક પ્રકરણ ખુબ જ ચર્ચામાં આવ્યું છે. સરકારી તંત્ર, રાજકીય વર્તુળો જુદા જુદા સમાજોમાં આ બાબતે ચર્ચા રોજબરોજ આવી રહી છે.

ગાંધીનગર શહેરના દલીત સમાજના અગ્રણી અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી શ્રી કનુભાઇ વાઘેલાએ આક્રોશ વ્યકત કર્યો કે નાના વર્ગના વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને રાજકીય મળતીયાઓ દ્વારા આવી રીતે પેપર લીક કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહયા છે. તે રાજયના કોઇ પણ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ ચલાવી લેવા માંગતા નથી.

આવી પરિસ્થિતિમાં રાજય સરકારે કડકપગલા લેવા જોઇએ અને ભવિષ્યમાં મહેનત કરતા વિદ્યાર્થીઓની ભાવિ સાથે ચેડા ન થાય તે માટે રાજય સરકારે પ્રજાને ચોક્કસ પ્રકારની ખાત્રી આપવી જોઇએ. આ અંગે ગાંધીનગર શહેર પસંદગી મંડળ દ્વારા મુખ્યમંત્રી કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

રાજયમાં ચારેય બાજુથી આ મુદ્દે ભારે હો-હા મચી ગઇ છે. ગાંધીનગર શહેર અને જીલ્લાના દલીત સમાજના વાલીઓ દ્વારા આ બાબતે મોટા પ્રમાણમાં વિરોધ થયો છે તેવી વાત કનુભાઇ વાઘેલાએ આજે દોહરાવી છે.

ભવિષ્યમાં આવી ભુલો કરવામાં આવશે તો રાજયના કોઇ પણ સમાજ ચલાવી લેશે નહી.

અત્રે એક અગત્યની માંગણી દોહરાવતા વાઘેલાએ કહયું છે કે આ પરીક્ષા રદ થઇ છે તેની નવી તારીખ તાત્કાલીક ધોરણે જાહેર કરવી જોઇએ. પરીક્ષાર્થીઓને નાણાકીય સહાય પણ કરવી જોઇએ અને આ કેસમાં કોઇ પણ મોટા માથા હોય તો તેને કડકમાં કડક સજા થવી જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ આવી ભુલ ન કરે.

(3:21 pm IST)