Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મંગળવારથી વાતાવરણ ફરી અસ્થિર બનશે : વરસાદની સંભાવના

રાજકોટમાં ૧૪ ડિગ્રી : ફૂંકાતા બર્ફીલા પવનના લીધે ઠંડીની વધુ અસર : તા.૪ થી ૬ જાન્યુઆરી પહાડી પ્રદેશોમાં જોરદાર બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતના અમુક ભાગોમાં પણ કમોસમી વરસાદ પડી શકે : તા.૮-૯ જાન્યુ.થી કડકડતી ઠંડીનો રાઉન્ડ

 

રાજકોટ, તા. ૩૧ : આજે વર્ષનો અંતિમ દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીના દિવસો છે. સૌરાષ્ટ્ર - ગુજરાતના અનેક શહેરોમાં પારો ગગડ્યો છે. દરમિયાન નવા વર્ષની શરૂઆતના જ દિવસોમાં ફરી વાતાવરણ અસ્થિર બનશે જેની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના કોઈ - કોઈ ભાગોમાં કમોસમી વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે હજુ બે દિવસ ઠંડીનું જોર રહેશે. તા.૪ જાન્યુઆરી સુધી ઠંડીમાં આવો જ માહોલ જોવા મળશે. ન્યુનતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે. હાલ કરતાં પારો ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચી જશે.

જયારે તા. ૪ થી ૬ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હેવી સ્નોફોલ થશે. જયારે મેદાની વિસ્તારો જેમ કે, પંજાબ, હરિયાણામાં વરસાદની પૂરેપૂરી શકયતા છે. આ દિવસો દરમિયાન એટલે કે તા.૪ થી ૬ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. એકાદ-બે જગ્યાએ ઝાકળવર્ષા થશે તો અમુક સ્થળોએ કમોસમી વરસાદની પણ શકયતા છે. પહાડી પ્રદેશોમાં જોરદાર બરફવર્ષા થયા બાદ તા.૮ કે ૯ જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે. આ સમયગાળા દરમિયાન ઠંડીનો પારો સીંગલ ડીજીટમાં પણ પહોંચી જાય તો પણ નવાઈ નહિં.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ છે. ન્યુનતમ તાપમાન ભલે ૧૪ ડિગ્રી હોવા છતાં બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા હોય ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

(11:36 am IST)