Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોર્ટનો આદેશ હોય તો પણ પત્નીની મરજી વિરૂધ્ધ તેને સાથે રહેવા પતિ મજબૂર ના કરી શકે

ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠાની ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કર્યો છે : કોર્ટે ટાંકયું કે, પતિ પત્નીને સાથે રહેવા અને વૈવાહિક અધિકારો સ્થાપિત કરવાની ફરજ ના પાડી શકે

અમદાવાદ,તા.૩૧: કોર્ટના આદેશ છતાં પતિ પત્નીને સાથે રહેવા અને વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવાની ફરજ પાડી શકે નહીં. બનાસકાંઠા જિલ્લાની ફેમિલી કોર્ટના એક આદેશને રદ્દ કરતાં ગુજરાત હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું. મુસ્લિમ દંપતીના કેસમાં કોર્ટે એવું તારણ રજૂ કર્યું છે કે પ્રથમ પત્ની પોતાના પતિ સાથે રહેવાનો ઈનકાર એવા આધારે પણ કરી શકે છે કે મુસ્લિમ કાયદો એકથી વધુ લગ્નની મંજૂરી આપે છે પરંતુ તેનો પ્રચાર કરતો નથી.

પ્રસ્તુત કેસમાં બનાસકાંઠા જિલ્લાના મુસ્લિમ દંપતી વાત છે. આ દંપતીના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા અને તેમનું એક બાળક પણ છે. મહિલા નર્સ તરીકે કામ કરે છે અને તે પોતાના પતિનું ઘર છોડીને માતાપિતા સાથે રહેવા ગઈ હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ તેને સતત ઓસ્ટ્રેલિયા જવા માટે દબાણ કરતા હતા.

પરિણામે કંટાળેલી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. બાદમાં પતિએ ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવાની દાદ માગી હતી. ફેમિલી કોર્ટે પતિની અરજીનો સ્વીકાર કર્યો હતો અને પત્નીને પતિ સાથે જઈને રહેવાનો આદેશ આપ્યો હતો.

ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ઘ મહિલાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી. આ અપીલને ગ્રાહ્ય રાખીને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે નોંધ્યું કે, 'જો પત્ની પતિ સાથે રહેવાનો ઈનકાર કરે તો આવા કેસમાં વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવા માટે તેને પતિ સાથે રહેવા માટે કોર્ટનો આદેશ હોવા છતાંય મજબૂર કરી શકાય નહીં.'એ સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટે બનાસકાંઠા જિલ્લાની ફેમિલી કોર્ટનો આદેશ રદ્દ કર્યો છે.

(11:36 am IST)