Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

લો બોલો : રાજપીપળામાં કોવિડ સહાયકોને 9 મહિના થયા છતાં હજુ સુધી સ્ટાઈપેન્ડ ચૂકવ્યુ જ નથી: વિદ્યાર્થીઓમાં રોષ

નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પટાંગણમાં દેખાવો કરી પોતાના હક માટે રજૂઆતો કરી

રાજપીપળામાં કોરોના કાળ દરમિયાન કોવિડ સહાયક તરીકે સતત 2 મહિના ફરજ બજાવનાર નર્સિંગના વિદ્યાર્થીઓને આજે 9 મહિના થવા આવ્યા છતાં સ્ટાઈપેન્ડ ચુકવવામાં સરકાર આડોડાઈ કરી રહી હોવાથી વિદ્યાર્થીઓ રોસે ભરાયા છે. જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પટાંગણમાં દેખાવો કરી પોતાના હક માટે રજૂઆતો કરી હતી.આશ્ચર્યની વાત તો એ છે કે સરકારે નર્મદા જિલ્લામાં ગ્રાંટ ફાળવી જ નથી. એટલે સરકારના વાંકે જ આજે કોવિડ સહાયકોની દયનિય હાલત થઈ છે.

જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે કોરોના એના પિક સમય પર હતો એવા એપ્રિલ-મેં મહિનામાં સતત કોવિડની ડ્યુટી કરી હતી. સરકારના પરિપત્ર મુજબ અમને સ્ટાઈપેન્ડ ચુકવવાનું હોય છે, જે હજુ સુધી ચૂકવાયું નથી.અમારે કોઈ વિવાદ નથી કરવો પણ સરકાર અમને અમારા હકના પૈસા આપે.જ્યારે બધા પોતાના જીવની ચિંતા કરતા હતા સલામતી ઇચ્છતા હતા ત્યારે અમે અમારા અને અમારા પરિવારના જીવ જોખમમાં મૂકીને કોવિડમાં ડ્યુટી કરી છે.

આ મામલે રાજપીપળા સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ ડો.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિના પછી નર્મદા જિલ્લામાં કોવિડની કોઈ ગ્રાંટ આવી જ નથી. અમે ઉચ્ચ કક્ષાએ એ બાબતે ઘણા પત્રો લખ્યા છે.હવે ગ્રાંટ આવી જશે એવું મેં સાંભળ્યું છે, જેવી ગ્રાંટ આવશે કે તરત એમને સ્ટાઈપેન્ડ મળી જશે

(7:10 pm IST)